Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ

તા.૩૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા પંચાયત, રાજકોટ ખાતે જાહેર આરોગ્ય સમિતિની બેઠક આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી લીલાબેન ઠુંમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકમાં આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી દ્વારા આરોગ્ય ક્ષેત્રના વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે આરોગ્ય સેવાઓ આપતી વિવિધ સંસ્થાઓના બાંધકામ કાર્ય અંગે ચર્ચા કરી, રાજકોટ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્ય વિભાગની સિધ્ધી બદલ તેમજ રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રને રૂ. ૩૫ લાખની કિંમતના ડિજિટલ એક્સ-રે મશીન તથા TRUENAT મશીન એનાયત કરવા બદલ સમિતિના તમામ સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટ જિલ્લાના ૨૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સોલાર રૂફટોપ સ્થાપન માટે GEDA ગાંધીનગર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને સર્વે કામગીરી ગતિમાં છે. તેમજ નવા ૨૫૨ પેટા આરોગ્ય કેન્દ્રો માટે જરૂરી વિગતો એકત્ર કરી મંજૂરી માટે ટૂંક સમયમાં મોકલવામાં આવશે જે મુદ્દે પણ બેઠકમાં આભાર દર્શન કરવામાં આવ્યું હતું.
આર.સી.એચ., મેલેરિયા, એપિડેમિક, ટીબી તથા ગુણવત્તા સંબંધિત તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ પી.આઇ.યુ. રાજકોટ દ્વારા જિલ્લામાં બાંધકામ કાર્યની સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં આરોગ્ય સમિતિના સભ્યો તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




