Rajkot: રાજકોટનો ત્રણ વર્ષનો બાળક બન્યો નાનકડો ‘નિક્ષય મિત્ર’
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ટી.બી.ના ૨૧ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ
દેશભરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતા ત્રણ વર્ષના બાળકે પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે પોષણ કીટનું વિતરણ કરીને સૌથી નાનો ‘નિક્ષય મિત્ર’ બન્યો છે.
દેશભરમાં ક્ષય રોગને નાબૂદ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૫ સુધીમાં ‘પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે જનભાગીદારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે રાજકોટ ખાતે કાર્યરત જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા નિક્ષય મિત્રોના સહયોગથી ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણની કામગીરી નિયમિતપણે કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડાપ્રધાનશ્રી અને પોતાના જન્મદિવસ નિમિત્તે ત્રણ વર્ષીય શ્રી અદ્વૈત મોઢાએ ગત તા. ૧૬ના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે ટી.બી.ના ૨૧ દર્દીઓને પોષણયુક્ત આહાર કીટ આપી હતી. શ્રી અદ્વૈતના પરિજનોએ ન્યુટ્રીશન કીટમાં મગ, ચણા, સોયાબીન, મગદાળ, ચણાદાળ, તુવેરદાળ, ચોળા, ચોખા, સીંગદાણા, ખજૂર, ગોળ અને દાળિયાનો સમાવેશ કર્યો હતો. આમ, શ્રી અદ્વૈતે યંગેસ્ટ ‘નિક્ષય મિત્ર’ બનવાનો રેકોર્ડ બનાવ્યો હોવાનું કહેવાય છે.
આ કાર્યક્રમમાં ક્ષયના દર્દીઓને સમયસર સારવાર પૂર્ણ કરી, ક્ષય દૂર કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સરકારી હોસ્પિટલના ટી.બી. વિભાગના વડા શ્રી ડો. ભૂમિકા પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો. બીના મોદી, જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. ઘનશ્યામ મહેતા, શ્રી ડો સુરેશ લક્કડ, શ્રી ડો. આદિત્ય નાયડુ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ક્ષય ઉપર વિજય મેળવવા માટે આર્થિક રીતે સશક્ત નાગરિકો માટે નિક્ષય મિત્ર બનીને સામાજિક ઋણ અદા કરવાની સુવર્ણ તક છે. નિક્ષય મિત્ર ક્ષયના દત્તક દર્દીને ન્યુટ્રીશન કીટ આપી શકે છે. નિક્ષય મિત્ર બનવા માટે www.nikshay.in પર નોંધણી કરી શકાય છે, તેમ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.