Rajkot: રાજકોટમાં ‘નારી વંદન ઉત્સવ’: ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી સાથે સ્વરોજગાર મેળો યોજાયો

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મોટી સંખ્યામાં બહેનો જોડાયા: ઈન્ટરવ્યૂ પછી ૬૩ મહિલાઓની જોબ માટે પ્રાથમિક પસંદગી
Rajkot: રાજકોટમાં ‘નારી વંદન ઉત્સવ’ના ભાગરૂપે ગતરોજ ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.-ગાંધીનગરના ઉપક્રમે, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મદદનીશ નિયામક(રોજગાર) કચેરી અને મહિલા આઈ.ટી.આઈ. રાજકોટના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ટરવ્યૂ પછી ૬૩ મહિલાઓની જોબ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
રાજકોટમાં મહિલા આઈ.ટી.આઈ. ખાતે આયોજિત આ સ્વરોજગાર મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. જનકસિંહ ગોહિલ, મદદનીશ નિયામક(રોજગાર) શ્રી ચેતનાબેન મારડીયા, મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય શ્રી રાજ વ્યાસ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી સીમાબેન શિંગાળા, મહિલા અને બાળ અધિકારી કચેરીનો સ્ટાફ, અન્ય કચેરીઓનો સ્ટાફ, પી.બી.એસ.સી., ૧૮૧ અભયમ વગેરેના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત બાદ ૧૦ મહિલા કારીગરોને આર્ટીઝન કાર્ડ આપવામાં આવ્યાં હતા. એ પછી જોબ માટે ઈન્ટરવ્યૂ શરૂ કરાયા હતા. આ મેળામાં કલ્યાણ જ્વેલર્સ(રાજકોટ), એલ.આઈ.સી., અદિતી ડોયસ, બોનાન્ઝા સલુન એકેડમી અને એસ.પી. ઈમીટેશન જેવી ૦૫ કંપનીઓ જોબની ઓફર સાથે ઉપસ્થિત રહી હતી. આ મેળામાં ૧૮૦થી પણ વધુ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ૧૦૫ મહિલાઓના ઈન્ટરવ્યૂ લેવાયા પછી ૬૩ જેટલા મહિલાઓની જોબ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.





