Rajkot: રાજકોટ શહેરના આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી

તા.૧૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મેદસ્વિતા નિવારણ માટે આંગણવાડી ખાતે અપાઈ રહેલું માર્ગદર્શન
Rajkot: રાજકોટ કોર્પોરેશન ઘટક ત્રણના આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેેન દેસાઇના માર્ગદર્શન હેઠળ પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે. જેમાં લાભાર્થી મહિલાઓને બાળક માટે પ્રથમ ૧૦૦૦ દિવસ (ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધી)ની સારસંભાળ, માતાઓને સગર્ભાવસ્થા અને બાળકના જન્મ સમય દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો, બાળકના ઉછેરની રીત, છ માસ દરમિયાન ફક્ત સ્તનપાન, બાળકને છ માસ બાદ ઉપરી આહારનું પ્રમાણ, સમતોલ આહાર, પૌષ્ટિક આહાર અને પોષણ મૂલ્યની સમજ, એનીમિયા નિવારણના પગલાં તેમજ સરકારની વિવિધ યોજનાના લાભો અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે.
સ્વસ્થ જીવન શૈલી માટે બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ ઘટે, તે હેતુસર પૌષ્ટિક આહારની પણ ચર્ચા કરાઈ છે. તેમજ કાર્યક્રમના અંતે ‘સહી પોષણ, દેશ રોશન’ની નેમ સાથે લાભાર્થીઓ અને અધિકારીઓ શપથ લે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ વિકાસ યોજના અધિકારીશ્રી પૂજાબેન જોષી, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો સહીતનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે, તેમ યાદીમાં જણાવાયું છે.






