Rajkot: રાજકોટ શહેર અને ગ્રામ્ય કક્ષાની ‘‘બાળ-પ્રતિભા શોધ સ્પર્ધા’’ યોજાશે

તા.૨૫/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૦૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશેઃ ૯મી ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે
Rajkot: ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-રાજકોટ દ્વારા “બાળ-પ્રતિભા શોધ સ્પર્ધા: ૨૦૨૪-૨૫”નું જિલ્લાકક્ષા, પ્રદેશ કક્ષા તેમજ રાજ્યકક્ષાનું ક્રમશઃ આયોજન હાથ ધરાનાર છે.
આ સ્પર્ધાઓમાં (૧) વક્તૃત્વ (૨) નિબંધ (૩) સર્જનાત્મક કારીગરી (૪) લગ્નગીત (૫) લોકવાદ્ય સંગીત (૬) એકપાત્રીય અભિનય (૭) દોહા – છંદ – ચોપાઈ (૮) લોકવાર્તા (૯) લોકગીત (૧૦) ભજન (૧૧) સમૂહગીત (૧૨) લોકનૃત્ય જેવી સ્પર્ધામાં ૭થી ૧૩ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ બિન-વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
આ સ્પર્ધાઓ ત્રણ વિભાગમાં (૧) અ વિભાગ – ૭થી ૧૦ વર્ષ (૨) બ વિભાગ – ૧૧થી ૧૩ વર્ષ તથા (૩) ખુલ્લો વિભાગ – ૭થી ૧૩ વર્ષના બાળકો માટે યોજવામાં આવશે. ઉંમર માટે ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા રાજકોટ શહેર અને ગ્રામ્યના બાળ કલાકારોએ નિયત નમૂનાનું અરજીફોર્મ સંપૂર્ણ વિગતે ભરીને આધારકાર્ડ-જન્મનાં પ્રમાણપત્રની નકલ સાથે “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ” ખાતે તા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ બપોરે ૧૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ રાજકોટના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવાયું છે.



