Rajkot: રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

તા.૨૩/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને તેમજ વાહન અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે માટે કાર્યરત રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકમાં ટ્રાફિક સિગ્નલ, દબાણ, ગેરકાયદે હાઇવે મીડિયન ગેપ, હેલ્મેટ, લાઇસન્સ ઝુંબેશ વગેરે અંગે આર.ટી.ઓ. તથા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી ડ્રાઈવ તેમજ જનજાગૃતિ કાર્યક્રમ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોમાં અકસ્માત જીવલેણ ન બને તે માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ શહેરમાં હેલ્મેટ ફરજીયાત હોવાનું જણાવી આગામી દિવસોમાં હેલ્મેટ ચેકીંગ ડ્રાઈવ પુનઃ શરુ કરવા પોલીસ કમિશનરશ્રીએ ખાસ સૂચના આપી હતી. આગામી દિવસોમાં તહેવાર પૂર્ણ થયા બાદ તા. ૮ સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ અંગેની મેગા ડ્રાઈવ શરુ કરવામાં આવશે તેમ શ્રી બ્રજેશકુમારે નિર્દેશ આપ્યો હતો.
બેઠકમાં શ્રી બ્રજેશકુમારે હાઈ-વે પર અકસ્માતના કારણોમાં લોકો દ્વારા ગેરકાયદે તોડવામાં આવતા મીડિયન ગેપ બુરી દેવા અને તેનો વિરોધ કરે તેમના વિરુધ્ધ સખત કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. તેમજ રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુધ્ધ કામગીરી કરવા પોલીસ વિભાગ તેમજ આર.ટી.ઓ.ને સૂચનાઓ આપી હતી.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડી.સી.પી શ્રી પૂજા યાદવે શહેરમાં ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ. તેમજ આર.એમ.સી. દ્વારા ટ્રાફિક બસના ડ્રાઈવરના ચેકિંગ અંગે કરેલ કામગીરીની વિગતો રજુ કરી હતી. તેમજ હેલ્મેટ, સીટ બેલ્ટ, ડ્રાંઇવિંગ લાઇસન્સ સહીત ચેકીંગ અંગે કરવામાં આવેલ ડ્રાઈવ, ગેરકાયદે ચાલતા છકડા વિરુદ્ધ કરવામાં આવેલ કામગીરીની વિગતવાર માહિતી રજુ કરી હતી.
આર.ટી.ઓ. અધિકારી શ્રી કેતન ખપેડે ટ્રાફિક ડ્રાઈવ અને માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત કરેલ કામગીરીની માહિતી પુરી પાડી હતી.
રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલને રૂ. ૧.૫૦ લાખ સુધી કેશલેસ સારવાર મળવાપાત્ર હોવાનો ઉલ્લેખ કરી હોસ્પિટલ દ્વારા તેમાં સહકાર મળે તે માટે ખાસ ભાર મુક્યો હતો. તેમજ હિટ એન્ડ રન કેસમાં પણ ઘાયલને વળતર મળવાપાત્ર હોવાનું પોલીસ કમિશનર શ્રીએ જણાવ્યું હતું.
નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાણીએ શહેરમાં દબાણ હટાવ કામગીરી, રોડ રીપેરીંગ, સર્કલ નાના કરવા સહિતની કામગીરી અંગે સંબંધિત અધિકારીશ્રીઓને કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ તકે અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયા, એ.સી.પી. શ્રી મુનાફ પઠાણ, વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીશ્રીઓ, મહાનગર પાલિકા, નેશનલ હાઇવે ઓથોરિટી સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રી, પ્રતિનિધિશ્રી હાજર રહ્યા હતા.






