Rajkot: રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

તા.૩૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગાડીમાં બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલક અને વેચાણકર્તાઓ વિરુદ્ધ ડ્રાઇવ કરવા, હાઉવે પર ગેરકાયદે મીડીયમ ગેપ તોડનારા નજીકના પેટ્રોલ પંપ, હોટેલ ધારકોની જવાબદારી ફિક્સ કરવા સુચના આપતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા
વર્ષ ૨૦૨૫ માં ટ્રાફિક પોલીસ દ્વારા ૨,૫૨,૦૨૮ કેસ અને રૂ. ૯,૧૩,૧૭,૯૫૦ ની દંડનીય કાર્યવાહી
સ્કૂલે બાળકોને લેવા મુકવા માટે જાહેર રસ્તાના બદલે કેમ્પસનો ઉપયોગ કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ કમિશનરશ્રીનું સુચન
Rajkot: રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા તેમજ હાઇવે પર વાહન અકસ્માતના કારણો અને પ્રમાણ ઘટાડવા અંગે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ કમિશનરશ્રીએ સ્કૂલ પીકઅપ વાન અને વાલીઓ દ્વારા શાળાએ મુકવા તથા તેડવા આવે તે સમયે જાહેર માર્ગોના બદલે સ્કૂલ કેમ્પસનો ઉપયોગ કરે તે માટે પોલીસ વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જયારે હાઇવે પર વારંવાર ગેરકાયદે મીડીયમ ગેપ તોડનારા લોકોને શોધી કાઢવા નજીકના પેટ્રોલ પંપ કે હોટેલ ધારકોને સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અથવા તેમની જવાબદારી ફિક્સ કરવા હાઇવે ઓથોરિટીને સૂચના આપી હતી.
કારમાં બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલાક વિરુદ્ધ કામગીરી કરવા અને તેના વેચાણકર્તા વિરુદ્ધ ડ્રાઇવ કરવા, રોડ કામગીરી પૂર્ણ થયેલ ચોકમાં ટ્રાફિક સિગ્નલ અને સી.સી.ટી.વી. પુનઃ કાર્યરત કરવા મહાનગરપાલિકાને પણ શ્રી બ્રજેશ કુમારે સૂચના આપી હતી.
આ તકે ડી.સી.પી. ટ્રાફિક શ્રી હરપાલસિંહ જાડેજાએ વર્ષ દરમ્યાન ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપી હતી. વર્ષ દરમ્યાન વિભાગ દ્વારા ૨,૫૨,૦૨૮ કેસ અને રૂ. ૯,૧૩,૧૭,૯૫૦ ની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવી ફેન્સી નંબર પ્લેટ, સફેદ એલ.ઈ.ડી. વિરુદ્ધ કામગીરી ચાલુ રાખવા તેમજ સિટી બસ પણ જો નિયમો વિરુદ્ધ ચાલશે તો તેમના વિરુદ્ધ પણ કામગીરી કરવા તાકીદ કરી હતી.
બેઠકમાં સેફટી કમિટીના સલાહકાર શ્રી જે.વી. શાહે ટ્રાફિક સિગ્નલ પર નાના બાળકો અને ભિક્ષુકોને હટાવવા તેમજ બિનજરૂરી બેરિકેડને દૂર કરવા, ટ્રાફિક સિગ્નલ નજીક ઉભી રહેતી રીક્ષાઓ દૂર કરાવવા સૂચન કર્યુ હતું. જેનું અમલીકરણ કરવા પોલીસ કમિશનરશ્રીએ સૂચના આપી હતી.
મહાનગરપાલિકના અધિકારી શ્રી અઢિયાએ શહેરમા ચાલી રહેલા રોડ, સાઈનેજીસ, કર્બ, ક્રેશ બેરીયર વગેરે કામગીરીની વિગત પુરી પાડી હતી. આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અને કરવામાં આવેલા કેસની માહિતી પુરી પાડવામાં આવી હતી
આ તકે નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી પથિક પટેલ, એ.સી.પી. શ્રી મુનાફ પઠાણ, શ્રી વિનાયક પટેલ, વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીશ્રીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂડા, સ્ટેટ આર.એન્ડ.બી. સિવિલ, એસ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા.






