Rajkot: રાજકોટ સિવિલનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગની પીડિયાટ્રિક સારવારની ઉપલબ્ધિ

તા.૨૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
બે મહિનાની જલનની પીડામાંથી મુક્તિ બાદ મુસ્કાન સાથે સિવિલમાંથી રજા લેતો યુગ
દિવાળી પર ખીસ્સામાં રાખેલા ફટાકડા ફૂટતા નીચેના ભાગે ગંભીર રીતે દાજેલા યુગની સફળ પ્લાસ્ટિક સર્જરી-સારવાર
Rajkot; દિવાળીના ઉત્સાહભર્યા માહોલમાં રાજકોટના વેજાગામમાં રહેતા દિલીપભાઈના પરિવારમાં ઉદાસી છવાઈ ગઈ હતી. તેમના ૯ વર્ષના બાળક યુગના ખિસ્સામાં રાખેલા ફટાકડા અચાનક જ ફૂટવા લાગતા કમરના નીચેના ભાગે બંને પગ ગોઠણ સુધી દાજી ગયા હતા. વધુમાં ચામડી અંદર સુધી બળી ગઈ હોવાથી યુગ ચાલવાની અવસ્થા પણ ગુમાવી ચૂક્યો…
યુગના પિતાએ દીકરાની પ્રારંભિક સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધી, પરંતુ પરિસ્થિતિ વધારે ગંભીર હોઈ તેઓએ આગળની સારવાર માટે રાજકોટ સિવિલ પર ભરોસો રાખી યુગને બર્ન્સ વિભાગમાં દાખલ કર્યો. અહીં તેમને એક દિવસ પ્રાથમિક સારવાર બાદ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં આગળની સારવાર માટે દાખલ કરાયો હતો.
સિવિલ અધિક્ષક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો. મોનાલીબેન માકડીયાની ટીમની સર્જરીઓ, નિયમિત ડ્રેસિંગ અને બે માસની સંભાળ બાદ યુગને હવે સારું થતા રજા આપવામાં આવી છે. આ સમયે વોર્ડમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો. યુગ હસતા હસતા ધીમા ડગલે આવજો….. કહેતા ચાલી રહ્યો હતો ત્યારે સ્ટાફના ચહેરા પર માનવીય સેવા કર્યાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો.
યુગનાં પિતા શ્રી દિલીપભાઈ કલોલાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમારા બાળકની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. અહીંના ડોક્ટરો અને સ્ટાફે જે રીતે સારવાર કરી તે અવિસ્મરણીય છે. અહીંના ડોક્ટર્સ અને સેવાભાવી સ્ટાફની મહેનતનાં કારણે અમારા બાળકને હવે સારું છે. આજે મારું બાળક ફરી ચાલી શકે છે. તેમના માતા જણાવે છે કે, અમે જ્યારે અહીં દાખલ થયેલા ત્યારે યુગના પગમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું. પરંતુ અહીંનાં ડોક્ટર્સની ટીમે ખૂબ સારી સારવાર કરી મારા બાળકના બંને પગ પ્લાસ્ટિક સર્જરીથી સાજા કરી આપ્યા છે. પરિવારે આ તમામ સારવાર નિઃશુલ્ક રીતે પૂરી પાડવા બદલ રાજ્ય સરકારનો આ તકે ખાસ આભાર માન્યો છે.
પ્લાસ્ટિક સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો. નિલેશ લાલવાણીએ બાળકની સારવાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાળકને ફટાકડાના લીધે લોઅર એબ્ડોમેન, ઘૂંટણ સુધી બંને પગ અને પ્રાયવેટ પાર્ટમાં ડીપ બર્ન્સ થયું હતું, પ્રારંભિક સારવાર બાદ તેના પગ પર દાજી ગયેલા ભાગમાં સૌપ્રથમ કૃત્રિમ ચામડી અને ત્યારબાદ શરીરના અન્ય ભાગમાંથી ચામડી લઈ સર્જરી કરવામાં આવી છે. રૂટિન ડ્રેસિંગ બાદ હાલ ચામડીમાં રૂજ આવી ગઈ છે. હવે બાળક સારી રીતે ચાલી શકે છે. જેથી તેને આજરોજ રજા આપવામાં આવી છે. જો કે હજુ તેને સંપૂર્ણ સ્વસ્થ થતા થોડો સમય લાગશે. તેને ફિઝિયોથેરાપી પણ લેવી પડશે, તેમ ડો. નિલેશે જણાવ્યું છે.
ડો. મોનાલીબેન માકડિયાના માર્ગદર્શનમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ૯ જેટલા દાજી ગયેલા બાળકોની હાલ સઘન સારવાર ચાલી રહી છે. માત્ર રાજકોટ જ નહિ પણ આખા સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને શ્રેષ્ઠ સારવારનો વિકલ્પ પૂરો પાડી રહેલી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે અગ્રિમ ભૂમિકા ભજવી રહી છે.





