Rajkot: તમામ વયના રમતવીરોને ખેલકૂદ ક્ષેત્રે કૌશલ્ય ઝળકાવવાનો અવસર આપે છે, ખેલ મહાકુંભ ૩.૦
રાજકોટમાં કૂલ ૨,૮૩,૮૦૫ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું : વિજેતા ખેલાડીઓ, શાળાઓ અને કોચને રોકડ પુરસ્કાર અપાશે
તા.૩૦/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે, તેના મૂળમાં છે ખેલ મહાકુંભ. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે, શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય, તેવા આશયથી વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. જેના ભાગરૂપે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલમહાકુંભ – ૩.૦ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલશ્રી આર. એસ. નીનામાના માર્ગદર્શન મુજબ ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ ના ધ્યેય સાથે આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન, જિલ્લા/મહાનગરપાલિકા,ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી છે. શાળાકક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીકસની રમતમાં તમામ શાળાઓએ ભાગ લીધો છે.
ખેલ મહાકુંભ ૩.૦નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૪થી તા. ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજકોટ જિલ્લામાં કૂલ ૨,૮૩,૮૦૫ ખેલાડીઓએ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કૂલ ૯૪,૫૩૩ ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્યમાં કૂલ ૧,૮૯,૨૭૨ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
શાળાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓમાં તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૫ થી કબડ્ડી અને ખો-ખોની રમતો શરુ થશે. તા. ૦૨ જાન્યુઆરી ૨૦૨૫થી રસ્સાખેંચની રમત, તા. ૦૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વોલીબોલની સ્પર્ધા યોજાશે. તા. ૦૨ અને ૦૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ એથ્લેટીક્સની સ્પર્ધા યોજાશે, તેમ રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે.