GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં વાહન વ્યવહારને ગતિશીલ રાખતા ૭૧૫ પુલ સંપૂર્ણ કાર્યક્ષમ

તા.૨૨/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : રાજકુમાર

૧૧ તાલુકા, ૬ નગરપાલિકા, ૬૦૮ ગામ વચ્ચે આવાગમન, ખાદ્ય સામગ્રી, જીવન જરૂરિયાતની વસ્તુઓ સમયસર પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા રોડ રસ્તાની જીવાદોરી સમાન કુલ ૭૪૧ નાના મોટા પૂલ

રોજ સવાર પડે એટલે યાર્ડમાં શાકભાજી સમયસર પહોંચી જ જાય, ને દૂધ મંડળીનું દૂધ ડેરીએ.., તો પેટ્રોલ પંપમાં ઇંધણ, ગેસ સહિત અનેક જીવનજરૂરિયાતની વસ્તુઓ તેના ગંતવ્ય સ્થાને રોજબરોજના નિત્યક્રમ મુજબ પહોંચી જ જાય.

રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકા, ૬ નગરપાલિકા અને તેને સંલગ્ન ૬૦૮ ગામડાઓમાં જીવનજરૂરિયાતની વસ્તુ પહોંચતી કરવી અને એટલી જ માત્રામાં અન્ય જિલ્લા, રાજ્યમાં પણ વસ્તુઓ પહોંચાડતું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક કામ કરી શકે છે સારા રોડ રસ્તા અને પુલના પરિણામે.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં નાના મોટા ૭૪૧ પુલ પૈકી ૬૧૯ પુલ સારી સ્થિતિમાં, જયારે ૯૬ પુલ મોટરેબલ એટલે કે વાહન વ્યવહાર માટેની યોગ્ય સ્થિતિમાં કાર્યરત છે. જ્યારે ૨૦ પુલ ખરાબ સ્થિતિમાં અને ૬ પુલ અતિ બિસ્માર પરિસ્થિતિમાં હોઈ અકસ્માતનું જોખમ ટાળવા માટે તેઓને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.

વિગતે વાત કરીએ તો, જિલ્લામાં આર.એન્ડ. બી. સ્ટેટ ના ૬૩ મેજર, ૧૨૨ માઇનોર સહિત કુલ ૧૮૫ પુલ પૈકી ૧૨૦ પુલ સારા, ૫૧ પુલ મોટરેબલ, ૧૧ પુલ નબળી સ્થિતિમાં છે. જયારે ૩ પુલ બિસ્માર હોઈ તેઓને બંધ કરી દેવામાં આવ્યા છે. આર. એન્ડ. બી. પંચાયત હેઠળના ૩૫ મેજર તેમજ ૧૯૬ માઇનોર સહિત કુલ ૨૩૧ પુલ પૈકી ૧૯૬ પુલ સારી સ્થિતિમાં છે. જયારે ૨૬ પુલ યોગ્ય અને ૮ પુલ નબળી સ્થિતિમાં છે. જયારે ૧ પુલ બિસ્માર હોઈ તેને બંધ કરી દેવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કુલ ૫૭ પુલ પૈકી ૫૪ બ્રીજ સારી કન્ડિશનમાં જયારે ૩ પુલ મોટરેબલ છે. નેશનલ હાઇવે આર. એન્ડ. બી .હસ્તક તૈયાર કરાયેલા ૧૧ પુલ પૈકી ૪ પુલ સારા અને ૬ પુલ મોટરેબલ છે. એક પુલ ખરાબ પરિસ્થિતિમાં હોઈ તેને બંધ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ વિભાગના ૫૦ પુલ પૈકી ૪૪ પુલ ખુબ સારી સ્થિતિમાં છે. ૬ પુલ મોટરેબલ છે, જેનો વાહનવ્યવહાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રાદેશિક નગરપાલિકા હેઠળના ગોંડલ, ધોરાજી, ઉપલેટા તેમજ જસદણ દ્વારા તૈયાર કરાયેલા ૯ પુલ પૈકી ૩ સારા, ૪ યોગ્ય તેમજ એક પુલ ખરાબ સ્થિતિમાં છે. જયારે એક પુલ ભારે વાહનોની અવરજવર માટે સક્ષમ ન હોઈ તેને બંધ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) હસ્તકના શહેરની ભાગોળે બંધાયેલા તમામ ૧૩ પુલ આવાગમન માટે સારી હાલતમાં છે. આ ઉપરાંત, રેલવે દ્વારા બંધાયેલા કુલ ૧૮૫ ઓવર કે અન્ડરબ્રીજ કાર્યક્ષમ સ્થિતિમાં છે.

પુલની મજબૂતાઈ અંગે ઇન્સ્પેક્શન

ચાલુ વર્ષે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને બ્રિજની મજબૂતાઈ અંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી ખાસ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરથી આવેલી ટીમો તેમજ ખાનગી કન્સલન્ટ દ્વારા બ્રીજોનું ઈન્સ્પેકશન હાથ ધરાયું હતું. જેના પરથી પુલની સ્થિતિ અંગે ગુડ, ફેર, પુઅર અને ક્રિટિકલ એમ કુલ ચાર કેટેગરી નક્કી કરવામાં આવી હતી.

ભારે વાહનો માટે પ્રતિબંધિત પુલની વિગત

માર્ગ મકાન વિભાગ હેઠળના સુપેડી- જાંજમેર-ટીમ્બડી-ચિત્રાવડ- જૂના માત્રાવડ, ઉપલેટા-કોલકી-મોટી પાનેલી – સીદસર રોડ અને જામકંડોરણા -ખજુરડી-ટીમ્બડી- ભાયાવદર-ખારચીયા રોડને હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. અહીં નવા બ્રિજ બનાવવા સરકારમાં દરખાસ્ત કરેલ હોવાનું વિભાગ દ્વારા જણાવાયું છે.

પંચાયત વિભાગ હેઠળ નવાગામ-આણંદપર એપ્રોચ રોડ પરનો બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત કરાયો છે. જયારે રાષ્ટ્રીય ધોરી માર્ગ ૨૭ પરનો ભાદર નદી પરનો બ્રિજ ક્રિટિકલ હોઈ તેને ભારે વાહન માટે પ્રતિબંધિત કરાયો છે.

તાજેતરમાં પડેલા ભારે વરસાદથી હાઈવે ક્ષતિગ્રસ્ત થવાથી અસર પામેલ પરિવહન પૂર્વવત બને, વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમગ્ર તંત્રને રોડ રસ્તા રીપેરીંગ, પેચવર્કની અને પુલની મજબૂતાઈ અર્થે ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સૂચના આપી છે. જેના પર તંત્ર દ્વારા મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓના નિરીક્ષણ હેઠળ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!