Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિંછીયા અને જસદણ ખાતે ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમ યોજાયો

તા.૧૯/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ગ્રામીણ પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે વહીવટી તંત્રનો સકારાત્મક અભિગમ
કલેક્ટરશ્રી અને ડી.ડી.ઓ.શ્રીના માર્ગદર્શન હેઠળ અધિકારીઓનો સરપંચો સાથે સીધો સંવાદ : ખેતીમાં વિકાસ અને ગ્રામ્ય માળખાકીય સુવિધાઓ વધારવા પર ભાર મૂકાયો
Rajkot: રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડાઓના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે ત્વરિત નિકાલ લાવવાના ઉમદા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આજે વિંછીયા મામલતદાર કચેરી અને જસદણ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ જસદણ અને વિંછીયા તાલુકાના સરપંચો સાથે અધિકારીઓની સંવાદ બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન વિવિધ ગામોના સરપંચો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો, રજૂઆતો અને સૂચનો અંગે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. જેમાં મુખ્યત્વે વીજ કનેક્શન મેળવવા, નડતરરૂપ વીજપોલનું શિફ્ટિંગ, ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા અને ગામતળના દબાણો દૂર કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો, તેમજ સીમ વિસ્તારના સાંકડા રસ્તાઓ પહોળા કરવા, ગામતળના પ્લોટની માંગણીઓ, પીવાના પાણીની વ્યવસ્થા અને પાણીના નિકાલ જેવી સુવિધાઓ અંગે પણ જરૂરી સૂચના અપાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા પ્રશ્નોનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ સુનિશ્ચિત કરાયું હતું.
આ ઉપરાંત, ખેતી અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓ વધારવા પર ભાર મૂકતા આ બેઠકમાં પાક માટે ‘સૌની યોજના’ હેઠળ પાણી મેળવવા, ગામમાં નવી એસ.ટી. બસ સેવાઓ શરૂ કરવા, જળસંચય માટે ચેકડેમો ઊંડા ઉતારવા અને આંગણવાડીના અટકેલા બાંધકામો સત્વરે શરૂ કરવા બાબતે અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી. આ તકે વહીવટી તંત્રના ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે અને લોકપ્રશ્નોના ઝડપી નિવારણ માટે સક્રિય મંચ પૂરું પડાશે, તેવી આશા વ્યક્ત કરાઈ હતી.
આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી વિજયસિંહ ગુર્જર, પી.જી.વી.સી.એલ. મેનેજીંગ ડિરેક્ટર શ્રી કેતનભાઈ જોશી, પ્રાંત અધિકારી શ્રી આર. આર. ખાંભરા, વિંછીયા મામલતદાર શ્રી ઉત્તમભાઈ કાનાણી, જસદણ પૂર્વ મામલતદાર શ્રી આઇ.જી.ઝાલા, નાયબ પશુપાલન અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, આરોગ્ય અધિકારીશ્રીઓ, વિંછીયા તાલુકાના ગામોના આશરે ૪૦ અને જસદણ તાલુકાના ગામોના અંદાજે ૪૫ સરપંચો ઉપસ્થિત રહ્યાં હતાં.






