Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.૨૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
શહેરના પ્રવેશના માર્ગો પર પડેલા ખાડા તત્કાલ પૂરવા સૂચના અપાઈ
તમામ વિભાગોને પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામ કરવા કલેક્ટરશ્રીની સૂચના
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા-શહેરના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને બાકી પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના અપાઇ હતી.
સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ શહેર-જિલ્લામાં વીજ ટ્રાન્સફોર્મરમાં થતા કચરાનો પ્રશ્ન રજૂ કર્યો હતો. જેના જવાબમાં જણાવાયું હતું કે, પીજીવીસીએલ દ્વારા ૧૭૦૦થી વધુ ટીસીનો સર્વે કરાયો હતો. જેમાં ૧૦૩૩ ટીસીમાં સફાઈની જરૂરિયાત જણાતાં તત્કાલ કામગીરી શરૂ કરાઈ હતી અને મોટા ભાગની ટીસીમાં સફાઈ થઈ ગઈ છે, જ્યારે બાકી ટીસીમાં સફાઈ ચાલુ હોવાનું જણાવાયું હતું.
આ તકે ઓસમ ડુંગર પર શૌચાલય બનાવવાની રજૂઆત થઈ હતી. આ દિશામાં તત્કાલ કામગીરી કરવા કલેક્ટરશ્રી તરફથી સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ કેન્સરના દર્દીઓને અપાતી સહાય, બસ પોર્ટમાં પાણી ટપકવાની સમસ્યા, માધાપર ચોકડી સહિતના શહેરના પ્રવેશમાર્ગો પર વરસાદી પાણી ભરાવા અને વરસાદના કારણે પડેલા ખાડાની સમસ્યા સહિતના પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં આ પ્રશ્નો સામે થયેલી કામગીરી અને લેવાયેલા પગલાંની વિગતો રજૂ કરવામાં આવી હતી. બસ પોર્ટમાં પાણી ટપકવાનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. જ્યારે પ્રવેશમાર્ગો પરના ખાડા સત્વરે પૂરીને રોડ સમથળ કરવા સંબંધિત વિભાગને સૂચના ક્લેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.
ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબહેન શાહે એઈમ્સ પાસે બસ સ્ટેશન બનાવવા અંગેનો પ્રશ્ન રજૂ કર્યો હતો. જેમાં આ બસ સ્ટેશન માટે જમીનનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીના પ્રશ્ન સંદર્ભે રાજકોટમાં અશાંત ધારાની મુદ્દત રીન્યુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને તેનો સમયમર્યાદમાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ તકે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે સર્વ અધિકારીશ્રીઓને પ્રો એક્ટિવ અભિગમ સાથે કામગીરી કરવા સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણી, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ભાનુબહેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસવડા શ્રી વિજયસિંહ ગુર્જર, નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ શ્રી રાકેશ દેસાઈ, આસિ. ક્લેક્ટર શ્રી મહેક જૈન, નાયબ વન સંરક્ષક શ્રી યોગરાજસિંહ ઝાલા, સનદી અધિકારી શ્રી વૃષાલી કાંબલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે. વસ્તાણી, રૂડાના સી. ઈ.ઓ. શ્રી ગૌતમ મિયાણી, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



