Rajkot: સવા માસમાં ૧૭,૨૫૬ નવા લાભાર્થીઓની પોષણ ટ્રેકર એપમાં નોંધણી સાથે રાજકોટ જિલ્લો રાજ્યભરમાં મોખરે

તા.૨૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થીઓનો આંકડો એક લાખને પાર
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશને પરિણામે જિલ્લામાં યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. વંચિત લાભાર્થીઓની નોંધણીની પ્રક્રિયામાં રાજકોટ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાને રહ્યો છે.
આઈ.સી.ડી.એસ. યોજનાના વંચિત લાભાર્થીઓની નોંધણી માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ ૧૯ નવેમ્બરથી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે આજ સુધીમાં કુલ ૧૭,૨૫૬ જેટલા નવા લાભાર્થીઓને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નોંધવામાં આવ્યા છે.
આ ઝુંબેશમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારો, વાડી વિસ્તારો, ઔદ્યોગિક વસાહતો અને ઝુંપડપટ્ટીઓમાં વસતા વંચિત પરિવારો સુધી પહોંચવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટેકો એપ્લિકેશન અને ગ્રામ પંચાયતના જન્મ-મરણ રજીસ્ટરની વિગતોને આધારે આઈ.સી.ડી.એસ. વિભાગની યોજનાથી વંચિત રહી ગયેલા શૂન્ય માસથી છ વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી મુજબ જેમના નામ નોંધાયેલા ન હતા, તેમને આંગણવાડીના કાર્યકરો અને મુખ્ય સેવિકાઓ દ્વારા રૂબરૂ મળીને આધાર પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.
આ માટે ઝુંબેશના ભાગરૂપે જિલ્લામાં તમામ આઈ.સી.ડી.એસ. ઘટક કચેરી ખાતેના એવા ૧૦ આંગણવાડી કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા, જેમાં યોજનાકીય લાભથી વંચિત નોંધણી કરવાપાત્ર લાભાર્થીઓ વધુ હોય. આમ, દરેક ઘટક કચેરી ખાતે દૈનિક ૧૦ મેગા કેમ્પ એમ મળી કુલ-૧૨૦ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને તેની સાથે બાકીના આંગણવાડી કેન્દ્રો ખાતે પણ નોંધણીની ઝુંબેશના ભાગરૂપે કામગીરી કરવામાં આવી. જે લાભાર્થીઓ પાસે આધાર કાર્ડ ઉપલબ્ધ ન હતા અથવા વિગતો અપડેટ કરવાની જરૂર હતી, તેમના માટે ખાસ આધાર કેમ્પ પણ યોજાયા હતા.
જિલ્લા કક્ષાએથી પ્રોગ્રામ ઓફિસર દ્વારા દૈનિક ઓનલાઇન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હાલ તાલુકા કક્ષાની ૧૨ ઘટક કચેરીઓ અને ૧૩૬૦ આંગણવાડી કેન્દ્રો મારફતે છેવાડાના માનવી સુધી પોષણ અને આરોગ્યની સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. હાલમાં પણ વંચિત રહી ગયેલા લાભાર્થીઓની નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. જે કોઈ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ હજુ પણ યોજનાના લાભથી વંચિત હોય, તેમણે જરૂરી આધાર પુરાવા સાથે નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવા આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી જનકસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.



