Rajkot: રાજકોટ જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં યોજાઈ

તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ટ્રાફિકમાં અવરોધરૂપ બનતા પ્રશ્નો, આડેધડ થતાં પાર્કિંગના નિકાલની કલેક્ટરશ્રીની સૂચના
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં આજે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. હાલ ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’ની ઉજવણી ચાલી રહી છે ત્યારે જિલ્લામાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા થઈ રહેલી માર્ગ સલામતી જાગૃતિની કામગીરી-ઝુંબેશની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ રાજકોટ જિલ્લામાં માર્ગ સલામતીમાં અવરોધરૂપ બનતાં પ્રશ્નોની સમીક્ષા કરી હતી. આ સાથે તેના ઉકેલ માટે યોગ્ય સૂચનો કર્યા હતા. તેમણે માલિયાસણ વિસ્તારમાં થતો ટ્રાફિક તેમજ આડેધડ થતાં પાર્કિંગના નિકાલની સૂચના આપી હતી. ઉપરાંત રાજકોટ કુવાડવા વિસ્તારમાં ચાલતી બ્રિજની કામગીરીનો પ્રગતિ અહેવાલ પણ જાણ્યો હતો. ઉપરાંત પડધરી પાસે જામનગર હાઈવે પર હાઈવે પરના દબાણો હટાવવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી કેતન ખપેડે હાલ આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક જાગૃતિ ઝુંબેશની વિગતો રજૂ કરી હતી. ખાસ કરીને ભાવિ નાગરિકો અત્યારથી ટ્રાફિક નિયમન તેમજ સલામતીના પાઠ શીખે તે માટે શાળાઓમાં ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ઉપરાંત વાહન વિક્રેતાઓને તાલીમ અપાઈ છે. જેથી તેઓ વાહન ખરીદતા ગ્રાહકોને ટ્રાફિકના નિયમોના પાલનની સમજ આપી શકે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ આગામી ૩૧મી જાન્યુઆરી સુધી ચાલનાર છે ત્યારે આગામી દિવસોમાં પણ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો થકી નાગિરકોમાં ટ્રાફિકની શિસ્ત કેળવવાની ઝુંબેશ ચાલુ રહેશે તેમ જણાવાયું હતું.


