GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શક્તિ સેલ્સ એજન્સીને રૂ. ૧૮.૨૫ લાખનો દંડ

તા.૨૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ઘઉં, ચોખાનો જથ્થો નિયત સમયમાં ન ઉપાડતાં એજન્સી સામે કરાયેલી દંડનીય કાર્યવાહી

Rajkot: રાજકોટ જિલ્લામાં રાશનના ઘઉં અને ચોખાનો જથ્થો નિયત સમયમાં નહિ ઉપાડીને વિલંબ કરનારા ઈજારેદાર શક્તિ સેલ્સ એજન્સી સામે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ કાર્યવાહી કરીને રૂ. ૧૮.૨૫ લાખનો દંડ ફટકાર્યો છે.

રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-‘૨૫ માટે M.S.P./P.S.S. અંતર્ગત ખરીદવામાં આવતી ખેત જણસીઓ (મગફળી સિવાય)ના પરિવહનનો ઈજારો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા શક્તિ સેલ્સ એજન્સી, રાજકોટને આપવામાં આવ્યો હતો. જે મુજબ, સંબંધિત એજન્સીએ ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ખાતેથી ઘઉં અને ચોખાનો જથ્થો સમયસર ઉપાડીને રાજકોટ જિલ્લાના તમામ ગોડાઉનો ખાતે પરિવહન કરી પહોંચતો કરવાનો થતો હોય છે. પરંતુ ઈજારદાર શક્તિ સેલ્સ એજન્સી સપ્ટે.- ૨૦૨૪ની ફાળવણીનો ઘઉં – ચોખાનો કુલ ૧૮૨૫.૭૮૮૫૨૦ મેટ્રિક ટન જથ્થો નિયત સમય મર્યાદામાં ઉપાડવામાં નિષ્ફળ ગઈ હતી.

શક્તિ સેલ્સ એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રત્યેની બેદરકારી અને નિષ્કાળજીને લીધે જાહેર વિતરણની કામગીરીમાં વિલંબ થયો હતો, અને સરકારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. તથા એજન્સી દ્વારા સરકાર સાથે કરવામાં આવેલી ટેન્ડર અને કરારખતની શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત શરતો મુજબ જો જથ્થો આર.ઓ.ની નિયત મુદતમાં ઉપાડવામાં ન આવે અને મુદત વધારો કરવામાં ન આવે તેવા કિસ્સામાં જથ્થાની રોકાઈ રહેલી રકમ ઉપર જથ્થાનું ચુકવણું કર્યા તારીખથી જથ્થાની રકમ પરત મળ્યા તારીખ સુધીનું ૧૮% મુજબનું વ્યાજ અને લેપ્સ ગયેલા જથ્થા માટે રૂ. ૧૦૦૦ પ્રતિ મેટ્રિક ટન મુજબ દંડની રકમ નિગમ ઈજારદાર પાસેથી વસુલ કરવામાં આવશે. જે મુજબ, રાજકોટ જિલ્લાના પુરવઠા વિભાગના વહીવટી તંત્ર દ્વારા પરિવહન ઈજારદાર શક્તિ સેલ્સ એજન્સી, રાજકોટને રૂ. ૧૮,૨૫,૭૮૮ની દંડ કરવામાં આવ્યો છે, તેમ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!