Rajkot: રાજકોટ–ગાંધીનગર એસ.ટી. ની એ.સી બસ સેવાનો શુભારંભ કરાવતા ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા

તા.૨૦/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
એસ.ટી. બસો સુવિધાસભર અને સલામત હોવાથી નાગરિકોને સરકારી બસનો લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ
Rajkot: મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજકોટ–ગાંધીનગર વચ્ચે નવી એ.સી. સીટીંગ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે, જેનું લોકાર્પણ ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા. રાજ્ય સરકારની એસ.ટી. બસો સુવિધાસભર અને સલામત છે હું ખુદ ગાંધીનગર જતી વખતે એસટી બસની સેવાનો ઉપયોગ કરું છું. ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ બસ પોર્ટ ખાતે મુસાફરોની સુવિધા માટે રાજકોટ બસ સ્ટેશન ખાતે નવી પૂછપરછ બારી પણ શરૂ કરાઈ છે, જેનો મુસાફરોને લાભ લેવા મારો ખાસ અનુરોધ છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, રાજકોટથી ગાંધીનગર વચ્ચે ચાર વોલ્વો બસ સેવા ચાલુ છે, ત્યારે આજથી પાંચમી એ.સી. બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ તકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો રાજકોટની જનતા વતી આભાર વ્યક્ત કરું છું કે લોકલાગણીને ધ્યાને રાખીને આ બસ સેવા શરૂ કરાવી. અત્યાર સુધી વોલ્વો બસ સેવા સવાર સાંજના ચાલુ હતી, જે હવે બપોરના પણ શરૂ થઈ ગઈ છે. જેથી મુસાફરો કોઈ પણ સમયે રાજકોટ-ગાંધીનગર આવ-જા કરી શકશે.
આ બસ સેવા ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કોન, નેહરુનગર અને રાણીપ માર્ગે પસાર થઈ ગાંધીનગર પહોંચશે. રાજકોટથી દરરોજ સાંજે ૪:૦૦ કલાકે પ્રસ્થાન કરી રાત્રે ૯:૦૦ કલાકે ગાંધીનગર પહોંચશે, જ્યારે ગાંધીનગરથી સવારે ૭:૩૦ કલાકે પ્રસ્થાન કરી બપોરે ૧૨:૩૦ કલાકે રાજકોટ પહોંચશે, જેનું એક તરફનું ભાડું રૂ. ૪૫૨ રહેશે. સાંજના સમયે પણ ગાંધીનગર સુધી એ.સી. બસનો વિકલ્પ ઉપલબ્ધ બનતાં નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓને વિશેષ લાભ મળશે.
આ તકે પ્રવાસી બંસી સવાણીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું નિરમા યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં અભ્યાસ કરું છું, હું મોટા ભાગે એસ.ટી.ની બસ દ્વારા જ મુસાફરી કરું છું.આ બસનો સમય એકદમ યોગ્ય છે, સિટિંગ અરેંજમેન્ટ કમ્ફર્ટેબલ છે, એ.સી. પણ નોર્મલ હોય છે તેમજ કેમેરા હોવાથી વધુ સુરક્ષિતતા અનુભવાય છે અને ચાર્જિંગની સુવિધા પણ છે, સ્વચ્છતા અને મહિલાઓ માટેની સિટિંગ વ્યવસ્થા એકદમ સરસ છે.
આ અવસરે રાજકોટ એસ. ટી વિભાગ નિયામક શ્રી એચ. એસ. જોશી, રાજકોટ એસ. ટી. ડેપો મેનેજર (વોલ્વો) શ્રી એન. વી. ઠુંમર, રાજકોટ એસ.ટી. ડેપો મેનેજર શ્રી ઘનશ્યામ ચગ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










