Rajkot: રાજકોટ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કરાઈ “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી
તા.૨૩/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
નિદાન કેમ્પ, મિલેટ સ્પર્ધા, રોપાઓનું વિતરણ તેમજ ‘અમૃત પેય’ ઉકાળાનું પાન કરાવવા સહિતના કાર્યક્રમો યોજાયા
Rajkot: આજ રોજ “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫” અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રભાગ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત યુનિવર્સીટી રોડ સ્થિત રાજકોટ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરકારી આયુર્વેદ હોસ્પિટલ યુનિવર્સિટી રોડ તથા કરણપરા આયુર્વેદ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વહેલી સવારે ધનવંતરી ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે આરોગ્યપ્રદ પૌષ્ટિક ખોરાકની જાગૃતિ અર્થે મિલેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીલેટ્સમાંથી બનાવેલી અવનવી વાનગીઓ સાથે સ્પર્ધકો જોડાયા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મેળવવા ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરુ કરાયું છે, જેના ભારૂપે ૧૨૦ જેટલા આયુર્વેદિક રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલ ખાતે વિના મુલ્યે આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યમાં લોકોએ ઉપસ્થિત રહી સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. વોકાથોન કાર્યક્રમ અંતર્ગત ૩૨૦ જેટલા રોગ પ્રતિરોધક ‘અમૃત પેય’ ઉકાળાનું પાન કરાવવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય પંચકર્મશ્રી વૈદ્ય ચૈતાલીબેન પરમારના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. જેમાં વૈદ્ય પંચકર્મશ્રી વૈદ્ય રાજેશભાઈ ઘીયાડ તેમજ સમગ્ર ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો.