Rajkot: રાજકોટમાં એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર, ગુજરાત શ્રી સુદીપ્ત ઘોષની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સેમિનાર યોજાયો

તા.૨૦/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કાર્યરત એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજકોટ એન્જીનીયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર, ગુજરાત શ્રી સુદીપ્ત ઘોષના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સેમિનાર યોજાયો હતો.
આ તકે એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના દેશભરમાં રોજગાર સર્જન કરવા ખૂબ ઉપયોગી બનશે. આ યોજનાનો નવા કર્મચારીઓ અને નોકરીદાતાઓ, બંને લાભ લઇ શકશે. ઈ.પી.એફ.ઓ. સાથે નોંધાયેલા પહેલીવાર કામ કરતા કર્મચારીઓને ૦૨ હપ્તામાં માસિક રૂ. ૧૫ હજારની સહાય અપાશે. આ યોજનાનો લાભ લેવા રૂ. ૦૧ લાખ સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ પાત્ર રહેશે. પ્રથમ હપ્તો ૦૬ મહિના પછી અને બીજો હપ્તો ૧૨ મહિના બાદ નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ ઉતીર્ણ કર્યા પછી ચૂકવવાપાત્ર રહેશે. બચતને પ્રોત્સાહન આપવા માટે, પ્રોત્સાહન રકમનો એક ભાગ બચત પ્રમાણપત્ર અથવા થાપણ ખાતામાં નિશ્ચિત સમયગાળા માટે રાખવામાં આવશે.
તેમણે યોજનાની વધુ વિગત આપતા ઉમેર્યું હતું કે આ યોજનાનો લાભ નોકરીદાતાઓને રૂ. ૦૧ લાખ સુધીના પગાર ધરાવતા કર્મચારીદીઠ મળશે. કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા ૦૬ મહિનાથી ૦૨ વર્ષ સુધી સતત રોજગાર ધરાવતા દરેક વધારાના કર્મચારી માટે નોકરીદાતાઓને દર મહિને રૂ. ૦૩ હજાર સુધીના પ્રોત્સાહનો પ્રદાન કરશે. ઉત્પાદન ક્ષેત્ર માટે આ સહાય ત્રીજા અને ચોથા વર્ષ સુધી પણ લંબાવવામાં આવશે. ઈ.પી.એફ.ઓ. સાથે નોંધાયેલી સંસ્થાઓએ ઓછામાં ઓછા ૦૬ મહિનાના સમયગાળા માટે સતત ધોરણે ઓછામાં ઓછા ૦૨ વધારે કર્મચારીઓ (૫૦થી ઓછા કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) અથવા ૦૫ વધારે કર્મચારીઓ (૫૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) રાખવા પડશે.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. રીજીઓનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર શ્રી સમીરકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. અધિકારીઓ શ્રી વૈશાલીકુમારી અને શ્રી મયંકગીરીએ નોકરીદાતાઓ અને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટધારકોને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ રીજીઓનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર શ્રી કાંતાદેવી મોટવાણીએ આભારવિધિ કરી હતી.





