Rajkot: રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની NHAIને સૂચના

તા.13/11/2025
વાત્સલયમ્ સમાચાર
કેન્દ્રીય મંત્રીશ્રીએ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી નેશનલ હાઈવે સંબંધિત પ્રશ્નોની સમીક્ષા કરી
Rajkot: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે સંદર્ભે મહત્વની બેઠક યોજી હતી. જેમાં તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને હાઇવેની કામગીરી વહેલાસર પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની હાલ ચાલી રહેલી કામગીરીની પ્રગતિની વિગતો જાણી હતી. તેમણે કામગીરીને ઝડપી બનાવવા માટે સૂચના આપી હતી. આ માટે જરૂરી માનવબળ અને મશીનરી વધારવા તાકીદ કરી હતી તેમજ સમયમર્યાદાનો લક્ષ્યાંક નક્કી કરીને નિર્ધારિત સમયમાં જ કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ નેશનલ હાઇવે સબંધિત વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરીને વાહનચાલકો તથા લોકોને અગવડ ન પડે અને કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં રાજકોટના જન પ્રતિનિધિઓ, વિવિધ વેપારી તેમજ ઔદ્યોગિક સંગઠનના અગ્રણીઓએ નેશનલ હાઈવે સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેને કેન્દ્રીય મંત્રીશ્રીએ સાંભળ્યા હતા અને આ પ્રશ્નોનો સ્થાનિક જન પ્રતિનિધિઓ, વિવિધ ઔદ્યોગિક એસોસીએશન્સના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો સાથે મળીને ઉકેલ લાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીને સૂચના આપી હતી.
આ બેઠકમાં સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણીઓ સર્વ શ્રી માધવ દવે, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી રાજુભાઈ ધ્રુવ, જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, વિવિધ વેપારી સંગઠનો તથા ઔદ્યોગિક સંગઠનોના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








