Rajkot: રાજકોટના સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યસ્થાને ‘દિશા’ કમિટીની બેઠક યોજાઈ

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરાઈ
Rajkot: રાજકોટના સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને આજે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક ક્લેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં થઈ રહેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અંગે જણાવાયું હતું કે, રાજકોટ જિલ્લામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧.૮૩ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઈ છે, જે લક્ષ્યાંક સામે ૩૭ ટકાથી વધુની પ્રગતિ દર્શાવે છે. સાંસદ શ્રી પરશોત્તમભાઈએ તાલુકા મુજબ સમીક્ષા કરીને, ઓછી કામગીરીવાળા તાલુકામાં સઘન કામગીરી કરવા સૂચના આપી હતી.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લામાં વર્તમાન નાણાકીય વર્ષમાં ૨૭૫ નવા સ્વ સહાય જૂથોની રચનાનો લક્ષ્યાંક છે. જેની સામે ૧૮૫ જૂથોની રચના સાથે ૬૭ ટકા ભૌતિક પ્રગતિ થઈ હોવાનું જણાવાયું હતું.
સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણની સમીક્ષા વખતે સાંસદ શ્રી પરશોત્તમભાઈએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા માટે મહેકમ ઊભું કરીને, સ્વચ્છતાની કામગીરી વધુ સઘન બનાવવી જોઈએ. આ માટે જરૂર પડ્યે બજેટનો એક હિસ્સો મહેકમ માટે ફાળવવા પણ તેમણે સૂચવ્યું હતું.
સાંસદશ્રીએ કહ્યું હતું કે, વિકાસ અને જનસુખાકારીના કામો માટે કેન્દ્ર સરકાર દ્વારા પૂરતી ગ્રાન્ટ ફાળવાય છે. લોકોને યોજનાઓના લાભો મળી રહે તે માટે ધરાતલ પર ચાલતા કામોનું નિયમિત સઘન મોનિટરિંગ કરવા તેમજ લોકહિતને કેન્દ્રમાં રાખીને કામગીરીને વધુ અસરકારક બનાવવા તેમણે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની સમીક્ષા કરતાં તેમણે કહ્યું હતું કે, જો કોઈ લાભાર્થી કોઈ યોજનામાં નોંધાયા ન હોય કે ઓછા હોય તો, મહત્તમ લાભાર્થીઓ સુધી યોજનાની વિગતો પહોંચાડીને તેઓ યોજનાના લાભ લેતા થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.
સ્વામિત્વ યોજનાની સમીક્ષામાં તેમણે કહ્યું હતું કે, આ યોજનામાં જે ખેડૂતોના સર્વે નંબર પ્રક્રિયાના લીધે બદલાઈ ગયા છે, તેવા ખેડૂતોને કોઈ તકલીફો ન પડે તે રીતે તેમના કામ ઝડપથી થાય તેવું કરવું જોઈએ. આ માટે જરૂર પડ્યે ઝુંબેશ ચલાવવા પણ તેમણે સૂચના આપી હતી.
લીડ બેન્કની કામગીરીની સમીક્ષા કરતાં તેમણે કહ્યું હતું કે, જે ખેડૂતો સમયસર લોન ભરે છે, તેને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતી વ્યાજસહાય તુરંત જ મળવી જોઈએ. આ માટે જો એસ.ઓ.પી.માં સુધારાની જરૂરિયાત લાગતી હોય તો, યોગ્ય સ્તરે લેખિત રજૂઆત કરવા પણ તેમણે સૂચવ્યું હતું. આ સાથે પશુપાલકો તથા માછીમારોને પણ વગરવ્યાજની લોનની યોજનાનો લાભ મળે તે માટે કામ કરવા જણાવ્યું હતું.
સાંસદ શ્રી રૂપાલાએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સમક્ષ, રાજકોટ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેની સ્થિતિની વિગતો જાણી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, નેશનલ હાઈવે બનાવતી વખતે ડાયવર્ઝન કે સર્વિસ રોડ પણ નેશનલ હાઈવે સ્તરના હોવા જોઈએ.
સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશિયલ આસિ. પ્રોગ્રામ, નેશનલ લાઇવ સ્ટોક મિશન, આયુષ્માન ભારત, આરોગ્ય, શિક્ષણ સહિતની યોજનાઓના લક્ષ્યાંક સામે થયેલી કામગીરીની પ્રગતિની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. આ સાથે કામગીરીને વધુ અસરકારક બનાવવા ઉપયોગી નિર્દેશ આપ્યા હતા.
આ તકે સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ જિલ્લાના ગ્રામ્ય,નગરો તથા મહાનગરમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સઘન કામગીરી કરવા સૂચન કર્યું હતું.ઉપરાંત તેમણે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને પડતી વિવિધ હાલાકીઓનો પ્રશ્ન પણ રજૂ કર્યો હતો, જેના નિકાલ માટે, એરપોર્ટના અધિકારીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણી, જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નગર પાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે. વસ્તાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, અધિક ક્લેક્ટર શ્રી ઈલાબહેન ચૌહાણ તેમજ વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




