
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં હાલ મોન્સૂન ફેસ્ટિવલનો અદ્ભુત માહોલ જામ્યો છે.ચોમાસાની ઋતુની શરૂઆત થતા જ ડાંગના લીલાછમ પહાડો અને ઝરણાંઓ જીવંત બન્યા છે.આ કુદરતી સૌંદર્યને માણવા માટે ગુજરાતભરમાંથી અને આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચી રહ્યા છે.
પ્રવાસીઓના ઉત્સાહને બમણો કરવા માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મેઘમલ્હાર પર્વ એટલે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે,જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો અને સંગીતની મધુરતા માણવા મળી રહી છે.આ ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણ પૈકી એક એવો કાર્યક્રમ ગુજરાતનાં સુપ્રસિદ્ધ લોકગાયીકા ગીતાબેન રબારીનો યોજાયો હતો.કોકિલ કંઠી લોકગાયિકા ગીતાબેન રબારીનાં બે કલાકનાં કાર્યક્રમની જાણ થતાં જ ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી જેવા નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.આ ઉપરાંત, ગુજરાતના અન્ય શહેરોમાંથી આવેલા પ્રવાસીઓ પણ આ કાર્યક્રમનો ભાગ બનવા માટે ઉત્સુક હતા.સાપુતારા મોન્સુન ફેસ્ટિવલમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યો હતો,જ્યા પગ મૂકવાની પણ જગ્યા નહોતી.ગીતાબેન રબારીએ તેમના જાણીતા ગીતો જેવા કે ‘રોણા શેરમાં’, ‘એકલી એકલી’ અને અન્ય લોકગીતો રજૂ કરીને શ્રોતાઓને ઝૂમવા મજબૂર કર્યા હતા. તેમના સુમધુર અવાજ અને ઉત્સાહભેર ગાયકીએ વાતાવરણને સંગીતમય બનાવી દીધુ હતુ.યુવાનોથી લઈને વડીલો સુધી, સૌ કોઈ ગીતાબેનના સૂર પર ગરબે ઘૂમતા અને તાળીઓના ગડગડાટથી ગુંજવી રહ્યા હતા.સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના કારણે સાપુતારાના સ્થાનિક વેપારીઓ અને હોટલ સંચાલકોને પણ મોટો ફાયદો થયો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનથી હોટેલો, રેસ્ટોરન્ટ અને સ્થાનિક દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓ સ્થાનિક હસ્તકલા અને વાનગીઓની ખરીદી પણ કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે.આ ફેસ્ટિવલ ડાંગ જિલ્લાના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક ઉત્તમ પહેલ સાબિત થઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પ્રવાસીઓ શાંતિપૂર્ણ અને આનંદદાયક રીતે આ ફેસ્ટિવલનો અનુભવ કરી શકે.સાથે આ મોન્સૂન ફેસ્ટિવલમાં લોકગાયિકા ગીતાબેન રબારીએ સાપુતારામાં પધારી કુદરતી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે..





