GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નશીલા પદાર્થોના સેવનને અટકાવવા “COTPA એક્ટ” હેઠળ રાજકોટ પોલીસે ૧૨૬ કેસો નોંધ્યા

તા.૧૩/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ “નશામુક્ત ભારત અભિયાન” ચલાવાઈ રહ્યું છે. જેના ભાગરૂપે દેશભરના લોકો માટે નશીલા પદાર્થોથી થતી હાની અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા “નશામુક્ત રાજકોટ શહેર” તથા “Say No to Drugs” થીમ અન્વયે રાજકોટ શહેરમાં “નશા મુક્તિ” અંગેની વિવિધ કામગીરીઓ કરાઈ રહી છે. જે અનુસંધાને રાજકોટની એસ.ઓ.જી.શાખાના પોલીસ ઈન્સ્પેકટરશ્રી ડી.સી.સાકરીયા અને રાજકોટ શહેરના સંબંધિત પોલિસ કર્મીઓ દ્વારા શહેરની રોઝરી સ્કૂલ, સેન્ટ ગાર્ગી વિદ્યાસંકુલ, વી.જે. મોદી સ્કૂલ, શમ્સ માધ્યમિક સ્કૂલ, નેસ્ટ પ્રાઈમરી સ્કૂલ, શેઠ હાઈસ્કુલ, શુભમ વિદ્યાલય, સત્યપ્રકાશ સ્કુલ, ગ્લોબલ શુભમ સ્કુલ, મુરલીધર સ્કૂલ, ચાણક્ય સ્કૂલ, નવયુગ સ્કૂલ, વગેરે શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને “નશામુક્તિ” સેમીનાર અન્વયે નશાના વિવિધ પ્રકાર, નશાના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી અસરો તથા સમાજમાં વધતી ગુનાખોરી સહિતની જાણકારી અપાઈ હતી. તેમજ વિદ્યાર્થીઓને નશામુક્તિ સબંધે શપથ ગ્રહણ કરાવ્યા હતા.

રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેવા સ્થળો પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવે છે. પોલીસ વિભાગે “The Cigarettes and Other Tobacco Products Act (COTPA Act)” હેઠળ શહેરી વિસ્તારના પાનના ગલ્લા અને દુકાનો ખાતે ચેકિંગ કરી કુલ ૧૨૬ કેસો નોંધ્યા હતા. ઉપરાંત, આ અભિયાન સંદર્ભે નશા મુક્ત ભારત હેલ્પલાઈન નંબર- ૧૪૪૪૬ પર સંપર્ક સાધી શકાય છે.

Back to top button
error: Content is protected !!