Rajkot: રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કરાશે વિવિધ પ્રવૃતિઓ

તા.૨/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ચિત્રકામ, ક્વિઝ સ્પર્ધા, શેરી નાટક, સ્વચ્છતા અભિયાન, કચરો વ્યવસ્થાપન સહિતની ઝુંબેશ હાથ ધરાશે
Rajkot: તા.૦૫ જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝન દ્વારા તા.૦૩ અને ૦૪ જૂનના રોજ જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં મુસાફરોના યોગદાનથી “પાણી બચાવ ઝુંબેશ” અને સ્ટેશનોની આસપાસના ઉદ્યાનો તથા સ્થાનિક લોકોની મદદથી રેલ્વે વસાહતોના બગીચાઓની યોગ્ય જાળવણી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. ઉપરાંત, જન જાગૃતિ માટે રેલવે વસાહતોમાં શેરી નાટકનું આયોજન કરવામાં આવશે.
લોકભાગીદારીથી રેલ્વે વસાહતોમાં, રેલ્વે સ્ટેશનો, પાટા અને નજીકના વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. કચરાના વ્યવસ્થાપન અંગે નિરીક્ષણ, પધ્ધતિસર કાર્ય અને બાયો-ટોઇલેટ નિરીક્ષણ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
“વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના હેઠળ વાંસના ટૂથબ્રશ અને લીમડાના કાંસકા જેવા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોને વેચાણ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ટકાઉ પર્યાવરણ પર ચિત્રકામ, નિબંધ, ક્વિઝ સ્પર્ધાઓ તેમજ સ્ટેશનો પર કાપડ અથવા શણની થેલીઓના ઉપયોગ માટે લોકોને પ્રેરિત કરવા તથા ડિજિટલ અને પેપરલેસ ટિકિટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.




