Rajkot: રાજકોટમાં લોધિકા તાલુકામાં યુદ્ધના ધોરણે ચાલતું રસ્તાનું સમારકામ: ત્રણ માર્ગ પર રીપેરીંગ પૂર્ણ

તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
લોધિકા પાળ રાવકી ગામને જોડતા બ્રિજ પર બેરિયર લગાવવાનું શરૂ, રોડ પર પડેલા ગાબડા પૂરી દેવાયા: રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ ઉપર ચાલતું સમારકામ
Rajkot: ભારે વરસાદથી રાજકોટ જિલ્લામાં તૂટી ગયેલા માર્ગોનું તાત્કાલિક સમારકામ શરૂ કરી દેવાયું છે. જેમાં લોધિકા પાળ રાવકી ગામ પાસે બ્રિજ તેમજ રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ પૂરજોશમાં રસ્તા રીપેરીંગની કામગીરી ચાલી રહી છે.
રાજ્ય માર્ગ મકાન વિભાગ રાજકોટના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી વી. એસ. કાલરીયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે રાજકોટ લોધિકા સ્ટેટ હાઈવે પરના મવડી પાળ રાવકી રોડ પર બ્રિજ ઉપરથી ત્રણથી ચાર ફૂટ પાણી પસાર થતા હતા. જેમાં બ્રિજ પરથી રેલિંગ તણાઈ ગઈ હતી. તેમજ બ્રિજ પાસે રોડ પર મોટા ખાડા પડી ગયા હતા. જોકે વરસાદ બંધ રહ્યા બાદ તાત્કાલિક ધોરણે બ્રિજ તેમજ રોડનું સમારકામ હાથ ધરાયું હતું. જેમાં બ્રિજ પાસે પડેલા મોટા ખાડા તાત્કાલિક ધોરણે મેટલવર્ક કરીને પૂરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાહન ચાલકોની સલામતી માટે બ્રિજ પર તાત્કાલિક ધોરણે બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત અહીં રસ્તાનું રીપેરીંગ પણ ચાલુ છે.
તેમણે ઉમેર્યું હતું કે, લોધિકા તાલુકામાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તકના પાંચ જેટલા રસ્તાઓ પર વરસાદના કારણે નુકસાન થયું છે. જ્યાં રીપેરીંગની કામગીરી ચાલુ છે. જેમાં ત્રણ માર્ગો પર રીપેરીંગ પૂર્ણ થઈ ગયું છે અને આ માર્ગ પરથી વાહન વ્યવહાર પણ શરૂ થઈ ગયો છે. જ્યારે અન્ય બે માર્ગ પરનું રીપેરીંગ આવતીકાલ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
નોધનીય છે કે, રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ૩૫ જેટલા રોડનું યુદ્ધના ધોરણે રીપેરીંગ ચાલી રહ્યું છે. જેમાં રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ પર પણ વરસાદના કારણે પડી ગયેલા ખાડા પૂરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.






