Rajkot: રાજકોટના પાણી પુરવઠા વિભાગ હસ્તકના હેડ વર્કસ તથા કચેરીમાં નિર્માણ કરાયા વન કવચ

તા.૨૨/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી
ભૂતપૂર્વ વન અધિકારી શ્રી વર્ષાણી તથા વર્તમાન કાર્યપાલક ઇજનેર શ્રી ગોહિલના સંયુક્ત પ્રયાસથી હજારો પક્ષીઓને મળ્યું નવું ઘર
અંદાજે ૨૩ હજાર વૃક્ષોનું વાવેતર: રાજકોટ જિલ્લાને હરિયાળો બનાવવામાં સતત પ્રયાસરત ૨ સરકારી અધિકારીઓ
Rajkot: રાજકોટના કાલાવડ રોડ પાસે આવેલી સરિતા વિહાર સોસાયટી પાસેથી પસાર થતાં ઘટાટોપ વનરાજીને જોઈને જંગલ જેવો અનુભવ થાય….પણ આ જંગલ નથી….આ તો પાણી પુરવઠા વિભાગનું જલભવન કાર્યાલય છે. આવો જ નજારો પાણી પુરવઠા વિભાગના ન્યારા, રફાળા, કુવાડવા, હડાળા, સણોસરા, મોટા ખીજડીયા વગેરે હેડ વર્કસ ખાતે પણ જોવા મળે. આ તમામ વનરાજીઓના ઉછેર માટે અંગત રસ લઈને કામગીરી કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના હરિયાળા વ્યકિતત્વ ધરાવતા ૨ સરકારી અધિકારીઓ પાણી પુરવઠા વિભાગના વર્તમાન કાર્યપાલક ઈજનેર શ્રી અંકિત ગોહેલ તથા પૂર્વ વન અધિકારી શ્રી ચુનીલાલ વર્ષાણી.
શ્રી ચુનીલાલ વર્ષાણી હાલમાં નિવૃત્ત જીવનને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ સાથે રોજ ઉજવી રહ્યા છે, તો પાણી પુરવઠા વિભાગના વર્તમાન કાર્યપાલક ઈજનેર શ્રી અંકિત ગોહેલ પર્યાવરણ સંરક્ષણમાં વિશેષ રુચિ ધરાવે છે. પ્રકૃતિ પ્રેમી બંને અધિકારીઓએ હાલમાં રાજકોટ જિલ્લાના પાણી પુરવઠા વિભાગ હસ્તકના અનેક હેડ વર્કસ અને મુખ્ય કચેરી ખાતે બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ તથા ઉછેરની કાળજી સાથે નવા વન કવચોનું નિર્માણ કર્યું છે.
આ અંગે શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, વૃક્ષો ઉછેરવાનો મને પહેલેથી શોખ હતો. નોકરીમાં જોડાયા પછી નાની સંખ્યામાં વૃક્ષારોપણ તો હું કરતો જ હતો પરંતુ અમારા વિભાગના જ પૂર્વ કાર્યપાલક ઈજનેર શ્રી જોધાણી તથા વનવિભાગના પૂર્વ અધિકારી શ્રી ચુનીલાલ વર્ષાણીનું મને માર્ગદર્શન અને સહકાર મળ્યો. શ્રી એચ.ડી.જોધાણી અને શ્રી ચુનીલાલ વર્ષાણીએ પર્યાવરણ સંરક્ષણ માટે અગાઉ વન કવચ વિસ્તાર માટેની કામગીરી કરી હતી. આ પ્રવૃત્તિ થકી પ્રેરણા મળતા શ્રી વર્ષાણી, શ્રી જોધાણી, સદભાવના ટ્રસ્ટ તથા કચેરીના ઉચ્ચ અધિકારીઓના સહકારથી પર્યાવરણ સંરક્ષણ હેતુ અમે જલભવન ખાતે વર્ષ ૨૦૨૧-૨૨માં મિયાવાકી પદ્ધતિથી ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. માત્ર ચાર વર્ષના ઉછેરમાં આ વૃક્ષો આજે જાણે ઘટાટોપ જંગલ હોય તેવો હરિયાળો વિસ્તાર બનાવી ચૂક્યા છે.
આ સફળતા બાદ ન્યારા હેડ વર્કસ ખાતે અધિકારીઓ અને એચ.ડી એફ સી બેન્કની મદદથી ૫૦૦૦થી વધુ, રફાળા અને કુવાડવા હેડ વર્કસ ખાતે અંદાજે ૨૦૦૦-૨૦૦૦ વૃક્ષો, દડલી, મોટા ખીજડીયા, સોનટેકરા અને સણોસરા જેવા અતિ પથરાળ વિસ્તારમાં પણ ૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે જ હડાળા હેડવર્કસ ખાતે વિશાળ જમીન પ્રાપ્ય થતા ૧૦૦૦૦ જેટલા વૃક્ષો ગત ઓક્ટોબર માસમાં જ વાવવામાં આવ્યા છે. આ કામગીરીમાં સરકારી સાધનો સિવાયનો જરૂરી સહકાર સદભાવના ટ્રસ્ટ દ્વારા મળ્યો હતો. આ સાથે જ અન્ય હેડ વર્કસ ખાતે પણ આવનારા દિવસોમાં સઘન વૃક્ષારોપણ દ્વારા વન કવચનું નિર્માણ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, તમામ હેડવર્કસ ખાતે પહેલા જ્યાં સ્ટોર રૂમ પાસે તૂટેલો સામાન પડયો રહેતો હતો તેવી વેરાન પડેલી જગ્યાઓને સાફ કરી તેનો ઉપયોગ વૃક્ષારોપણ માટે કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય કચેરી ખાતેના વનકવચ નજીક પક્ષીઓને અન્નજળ અને રહેવા માટે કુદરતી રીતે વિશેષ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. વળી ભવિષ્યમાં પણ કચેરી ખાતે કોઈ નવા બાંધકામમાં બાધારૂપ ન બને અને વૃક્ષોને પણ સંરક્ષિત રાખી શકાય તે રીતે આ વનકવચોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે આ વન કવચ હજારો પક્ષીઓનું નવું ઘર બન્યું છે.
પૂર્વ ફોરેસ્ટ ઓફિસર શ્રી ચુનીલાલ વર્ષાણીએ તો જાણે નિવૃત્તિ બાદ પણ વન પ્રત્યેના પ્રેમને જાળવીને વનવિસ્તાર વધારવાની તેમની આ બીજી ઈનિંગ શરૂ કરી હોય તેવો અનુભવ થાય છે. શ્રી વર્ષાણીએ પાણી પુરવઠા વિભાગના અધિકારીને આપેલા સહકાર વિશેના અનુભવો જણાવી કહ્યું હતું કે, અન્ય કોઈ પણ સરકારી ઓફિસ કે કોઈપણ જમીન પર વૃક્ષારોપણ તેમજ તેની જાળવણી સહિતનું કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા લોકોને હું સહકાર આપવા તત્પર છું. વૃક્ષો સાથે જાણે આત્માના જોડાણથી જોડાયેલા આ બંને અધિકારીઓના પ્રયાસથી રાજકોટ જિલ્લામાં અંદાજે ૨૨ થી ૨૩ હજાર જેટલા વૃક્ષો ઉછરી રાજકોટને હરિયાળું બનાવવામાં પ્રદાન આપી રહ્યા છે.







