Rajkot: રાજકોટના મહિલા સહાયતા કેન્દ્રએ વૃદ્ધ દંપતી અને પુત્રનું કરાવ્યું સુખદ સમાધાન: હોમ વિઝીટમાં મળ્યો સુમેળભર્યો પરિવાર

તા.૨૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલાં એક વૃદ્ધ દંપતી પોતાના પુત્ર સાથેના ઝઘડાને કારણે અલગ થવા માગતા હોવાની મુશ્કેલી સાથે પહોંચ્યા હતા.જયાં તેમણે મહિલા સહાયતા કેન્દ્ર (PBSC)નો સંપર્ક કર્યો હતો.મહિલા સહાયતા કેન્દ્ર (PBSC) કાઉન્સેલરની સમયસર દખલગીરીને કારણે હવે આ દંપતી સુમેળભર્યું જીવન જીવી રહ્યું છે.
આ દંપતીએ અગાઉ તેમના પુત્રથી અલગ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ મહિલા સહાયતા કેન્દ્ર (PBSC) ના કાઉન્સેલર દ્વારા તાત્કાલિક પુત્રને બોલાવી, તેને સમજાવી અને કાયદાકીય માહિતી પૂરી આપી હતી, જેના પરિણામે તેઓ વચ્ચે સમાધાન થયું હતું. આ સફળ સમાધાનની વધુ તપાસ કરવા માટે,મહિલા સહાયતા કેન્દ્ર (PBSC)ના કાઉન્સેલર બહેનો, મહિલા પોલીસ સ્ટેશનની સી-ટીમ સાથે પરિવારના ઘરે મુલાકાત માટે ગયા હતા. આ મુલાકાત દરમિયાન, વૃદ્ધ દંપતી અને તેમનો પુત્ર, પુત્રવધુ, પૌત્ર બધા સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આમ હોમ વિઝીટમાં સુમેળભર્યો પરિવાર જોવા મળતા મહિલા સહાયતા કેન્દ્ર (pbsc) ના પ્રયાસોની અસરકારકતા જોવા મળી હતી તેમ મહિલા સહાયતા કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.




