Rajkot: રાજકોટની પરિણીતામાં જીજીવિષા જગાવતી અભયમ્ ટીમ
તા.૨૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કુશળ કાઉન્સેલિંગથી આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરાઈ
Rajkot: રાજકોટમાં અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે જીવનથી હારી ગયેલી અને આત્મહત્યાના વિચારો કરતી એક પરિણીતાને કુશળ કાઉન્સેલિંગ દ્વારા નવજીવન બક્ષ્યું હતું. પીડિતાના માતાના ફોન કોલ બાદ અભયમ્ ટીમે ત્વરિત કાર્યવાહી કરી, મહિલાને સાંત્વના આપી અને તેને આત્મહત્યાના નિર્ણયમાંથી પાછી વાળી હતી.
ગત તા. ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ રાત્રે ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર પીડિતાના માતાનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે તેમની દીકરી આત્મહત્યાનો પ્રયાસ કરતી હોય છે અને વારંવાર ઘરેથી નીકળી જાય છે. તેથી, તેને સમજાવવા માટે મદદની જરૂર છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અંતર્ગત ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલરશ્રી શીતલબેન સરવૈયા અને તેની ટીમ ફોન આવતાની સાથે જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પીડિતા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેના લગ્નને પાંચ વર્ષ થયા છે અને તેને બે બાળકો છે. તેણે જણાવ્યું કે તેના સાસુ-સસરા અને પતિ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે તે છેલ્લા ૧૧ મહિનાથી પોતાના બે બાળકો સાથે પિયરમાં રહે છે. પીડિતાએ કહ્યું કે તે જીવનથી સંપૂર્ણપણે હારી ગઈ છે, તેને જીવન પ્રત્યે કોઈ લગાવ રહ્યો નથી અને તે આત્મહત્યા કરીને પોતાનું જીવન સમાપ્ત કરવા માંગે છે. તેણે એ પણ જણાવ્યું કે તે છેલ્લા ત્રણ મહિનાથી ડિપ્રેશનમાં છે.
અભયમ્ ટીમે પીડિતાની વાત ધ્યાનથી સાંભળી અને તેનું સઘન કાઉન્સેલિંગ કર્યું. ટીમે તેને સાંત્વના અને હિંમત આપતા સમજાવ્યું કે જીવનથી હારીને આત્મહત્યા કરવી એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. ટીમે તેને ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે મનગમતી પ્રવૃત્તિઓ કરવા, પોતાની જાતને થોડો સમય આપવા, બાળકો સાથે સમય વીતાવવા, પુસ્તકો વાંચવા અથવા નોકરી કરીને આત્મનિર્ભર બનવા સૂચવ્યું. ટીમે ભારપૂર્વક જણાવ્યું કે જીવનથી હારીને બેસી રહેવું અને આત્મહત્યાના વિચારો કરવા યોગ્ય નથી. ભલે તે પોતાના પતિ સાથે રહેવા ન માંગતી હોય પરંતુ તે પોતાના બાળકોના ભવિષ્યનો વિચાર કરીને જીવન જીવી શકે છે.
લગભગ ત્રણ કલાકના કાઉન્સેલિંગ બાદ પીડિત મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો કે આત્મહત્યા કરીને જીવનથી હારવું ન જોઈએ. તેણે ખાતરી આપી કે તે ભવિષ્યમાં ક્યારેય પણ પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર નહીં કરે. અભયમ્ ટીમે તેને મહિલા સહાયતા કેન્દ્રમાં લાંબા ગાળાના કાઉન્સેલિંગ અને સખી વન સ્ટોપ સેન્ટર વિશે પણ માહિતી આપી. જો કે પીડિતા હાલમાં અન્ય પ્રકારની મદદ લેવા કે ક્યાંય જવા માંગતી ન હોવાથી ટીમે ફક્ત તેના આત્મહત્યાના વિચારોને અટકાવવાનો પ્રયાસ કર્યો.
અંતે પીડિતા અને તેના પરિવારજનોએ અભયમ્ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ગુજરાત સરકારની ૧૮૧ મહિલા હેલ્પલાઈનની સતર્કતા અને સમયસરના હસ્તક્ષેપ થકી અનેક મહિલાઓમાં જીજીવિષા જગાવી, તેના જીવનને બચાવવાના પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.