Rajkot: રાજકોટના સોનલ વસોયાની સિદ્ધિ: પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ-૨૦૨૫માં ‘કયાક’માં બ્રોન્ઝ મેડલ

તા.૧૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વોટર સ્પોર્ટ્સમાં એશિયન ચેમ્પિયનશિપમાં સતત બીજીવાર મેડલ અપાવનાર ગુજરાતના પ્રથમ ખેલાડી
Rajkot: રાજકોટ અને ગુજરાતનું ગૌરવ સમાન જલપરી એવા પેરા ખેલાડી સોનલ વસોયાએ કેનો કાયાકિંગ વોટર સ્પોર્ટ્સમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
તાજેતરમાં ભોપાલ ખાતે યોજાયેલી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં વિજેતા થયા બાદ રાજકોટના સોનલ વસોયાનું ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે સિલેક્શન થયું હતું. જેમાં થાઈલેન્ડ પટાયા ખાતે આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં ૨૦૨૫માં તેમણે ભાગ લીધો હતો.
પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ ૨૦૨૫ માં KL1 કેટેગરીમાં કયાકમાં તેઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે ગુજરાતને વોટર સ્પોર્ટ્સમાં એશિયન ચેમ્પિયનશિપમાં સતત બીજીવાર મેડલ અપાવનાર ગુજરાતના પ્રથમ ખેલાડી તરીકેનું બહુમાન મળ્યું છે. ગત વર્ષે ટોક્યો ખાતે આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં તેઓએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
સોનલ વસોયા તેને મળેલી સિદ્ધિ બદલ સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપનાર ગુજરાત સ્ટેટ કાયકિંગ એન્ડ કેનોઇંગ એસોસિએશનના પ્રમુખ ડૉ. ભગવતસિંહ વનાર, સેક્રેટરી ડૉ. પરીક્ષિત કે. ઈચ્છાપોરીયા, ભોપાલમાં ટ્રેનિંગ આપતા કોચ મયંક ઠાકોર, અનિલ રાઠી, રીન્કુ સિંગ તેમજ ધ સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપના પ્રમુખ કાંતિભાઇ પરીખ, અંધજન મંડળના તેજલબેન, યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના શૈલેષભાઈનો આભાર માનતા જણાવે છે કે, મને મળેલ સફળતામાં તમામ લોકોનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે.
વોટર સ્પોર્ટ્સમાં ગુજરાતનું નામ અંકિત કરનાર સોનલ વસોયા અનેક પેરા ખેલાડીઓને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે, ત્યારે ભવિષ્યમાં નવોદિત ખેલાડીઓ સ્પોર્ટ ક્ષેત્રે દેશનું નામ રોશન કરશે તેમ ચોક્કસ કહી શકાય.




