Rajkot: રાજકોટમાં રંગોળી સ્પર્ધા કલા અને જાગૃતિનો સંગમ બની
તા.19/10/2025
વાત્સલયમ્ સમાચાર
રાધા-કૃષ્ણ, એ.આઇ., સે નો ટુ ઓબેસિટી જેવી વિવિધ થીમની રંગોળીઓએ ધ્યાન ખેંચ્યુ
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘દિવાળી કાર્નિવલ – ૨૦૨૫’ અંતર્ગત આયોજિત રંગોળી સ્પર્ધા કલા અને જાગૃતિનો સંગમ બની ગઈ છે. સ્પર્ધકોએ ધાર્મિક, સામાજિક, પર્યાવરણીય અને વૈજ્ઞાનિક વિષયો પર આધારિત સુંદર રંગોળીઓના માધ્યમથી તેમની કલાત્મકતા રજૂ કરી છે.
આ રંગોળી સ્પર્ધામાં ખાસ કરીને ‘રાધા-કૃષ્ણ’ અને ‘મહાદેવ’ જેવી ધાર્મિક રંગોળીઓ ધ્યાન ખેંચનારી છે. શ્રી હિમાની ધોળકીયાએ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ જેવા આધુનિક વિષય પર રંગોળી બનાવીને પરંપરા અને ટેકનોલોજીનો સમન્વય સાધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ‘સ્વચ્છતા ઝુંબેશ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે મોરની રંગોળી સાથે ‘ગો ગ્રીન, કીપ દિવાલી ક્લિન’ તેમજ ડોનટ અને ડમ્બેલની રંગોળી સાથે ‘સે નો ટુ ઓબેસિટી’ જેવા સંદેશાએ નાગરિકોમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવી છે.
આ ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રંગોળી થકી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ સાથે ‘ઓપરેશન સિંદૂર : અવર નેશન ડોટર’ જેવી રંગોળીએ રાષ્ટ્રીય સુરક્ષા અને મહિલા સશક્તિકરણના મહત્વને ઉજાગર કર્યું છે. આમ, રાજકોટવાસીઓમાં વિવિધ થીમ આધારિત રંગોળીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે તેમજ આ રંગોળી સ્પર્ધા એ સ્પર્ધકોની કલાકારીને મંચ પૂરું પાડ્યું છે.