Rajkot: કમોસમી વરસાદ અને ખરીફ પાકના આયોજન માટેના ઉપાયો

તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં તા. ૨૫ મે સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે ત્યારે વિવિધ શાકભાજી વગેરે પાકોમાં પ્રવર્તમાન હવામાનમાં ધ્યાન રાખવાના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર રીંગણ અને મરચાં જેવા શાકભાજી પાકો જો કમોસમી વરસાદ અને તોફાની પવનને કારણે પડી ગયા હોય ત્યાં તેમને ટેકો આપવો.
ઉભા પાકમાં ફૂગના રોગોનો ઉપદ્રવ વધી શકે છે, તેથી પાકનું નિરીક્ષણ કરતા રહેવું અને જો જરૂરી હોય તો ભલામણ કરેલ ફુગનાશકનો છંટકાવ હવામાન ચોખ્ખું હોય ત્યારે કરવો જોઈએ. આ ઉપરાંત, પશુઓના મળમૂત્ર અને ખેત કચરામાંથી સંપૂર્ણ સડી ગયેલ ખાતરને ખાતરની ખાડથી બહાર કાઢવું. આગામી ખરીફ પાકના વાવેતર માટે જરૂરી આયોજન કરવું જોઈએ.
આગામી ચોમાસું પાકોના વાવેતર માટે જમીન ખેડીને તૈયાર કરવી અને પસંદગીના પાક અને જાતનું બિયારણ, જરૂરી ખાતર અને દવા સમયસર મેળવી લેવી જોઈએ. પોતાનું/ખાનગી કં./અન્ય પાસેથી ખરીદેલ બીજનો ઉગાવો અગાઉથી થોડું સેમ્પલ લઈ ચકાસી લેવો.આગામી ખરીફ પાકોના વાવેતર માટે સારી ગુણવતાવાળું પ્રમાણિત બીજ મેળવવુ જોઈએ. વળી, ખેતરના શેઢા પાળા અને વરસાદી પાણીના નિકાલના કાઢયાની મરામત કરવી જેથી જમીનનું ધોવાણ અટકાવી શકાય તેમ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડીયાની યાદીમાં જણાવાયું છે.



