Rajkot: યુવાધનને નશીલા પદાર્થના વ્યસનથી બચાવવા સારી સંગત અને પારિવારિક જાગૃતિ જરૂરી – પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા

તા.૧૮/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
પોલીસ વિભાગ દ્વારા એક માસમાં નશીલા પદાર્થ વેચતા ૧૩ લોકો વિરુદ્ધ કાર્યવાહી, ૪૮૮ મેડિકલ સ્ટોરમાં તપાસ, તંબાકુ વેચાણકર્તા વિરુદ્ધ રૂ. ૮૯.૯૦ હજારનો મુદ્દામાલ જપ્ત
Rajkot: કોલેજ અને યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા યુવાધનને ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોના સેવન અને વ્યસનથી બચાવવા સારી સંગત તેમજ પારિવારિક જાગૃતિ જરૂરી હોવાનુ નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા એ ભારપૂર્વક જણાવ્યું હતું.
ડ્રગ્સ સેવન એ ચેઈન રીએકશન જેવું હોવાનું જણાવતાં પોલીસ કમિશ્નર શ્રીએ કહ્યું હતું કે, એક છાત્ર નશીલા પદાર્થના વ્યસન બાદ આર્થિક જરૂરિયાત માટે ભવિષ્યમાં પોતે ડ્રગ્સ પેડલર બની જઈ અન્ય સહકર્મીને પણ ડ્રગ્સના સેવન તરફ પ્રેરી શકે છે, ત્યારે ખાસ કરીને પરિવાર તેમજ કોલેજ અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ અને વ્યાપક જનજાગૃતિ આવશ્યક હોવાનું શ્રી બ્રજેશકુમારે જણાવ્યું હતું.
માત્ર પોલીસ વિભાગ નહીં પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ, કૃષિ અને વન વિભાગ સહીત તમામ વિભાગ એક ઝુંબેશના ભાગરૂપે ડ્રગ્સ અને નશાકારક વેચાણકર્તાઓ પર વ્યાપક કાર્યવાહી કરે તેવી ખાસ સૂચના પોલીસ કમિશ્નર શ્રીએ આપી હતી.
પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન કામગીરી અંગે ડી.સી.પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલે રાજકોટ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલ ડ્રગ્સનાં કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે, એક માસમાં એન.ડી.પી.એસ. ના ૧૩ કેસ કરવામાં આવ્યાં હતાં. જયારે કોપટા એક્ટ હેઠળ રૂ. ૮૯,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા એક સાથે ૪૮૮ જેટલા મેડિકલ સ્ટોરમાં નશીલા સીરપ અંગે તપાસ કરી. જેમાં એક સ્ટોર વિરુધ્ધ કામગીરી કરવામાં આવી હોવાનું ડી.સી.પી.શ્રી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું.
અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયાએ વિદેશી છાત્રો માટે યુનિવર્સીટીમાં ડિસિપ્લિનરી કમિટી, હોસ્ટેલ ગાઈડલાઈન, કાઉન્સેલિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં ડી.સી.પી. ઝોન – ૨ શ્રી જગદીશ બંગરવા, આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, એસ.ઓ.જી સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.





