Rajkot: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી

તા.૧૯/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
એકતા યાત્રાનો ઉદ્દેશ્ય અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના વિરલ વ્યક્તિવને બિરદાવવાનો છે – સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા
ભાષા, પ્રાંત, ધર્મના ભેદભાવ ભૂલી એકતા દ્વારા રાષ્ટ્રને મજબૂત બનાવીએ – ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા
રાજકોટ ગ્રામ્ય – ૭૧ વિધાનસભાની ‘એકતા યાત્રા’ ખોખડદડ ગામે યોજાઈ
મહાનુભાવોની સાથે ખોખડદડ શાળાના બાળકો સ્વાગત ગાન, સરદાર પરિચય, ડાન્સ અને વેશભૂષામાં સક્રિય રીતે જોડાયા
Rajkot: ગુજરાતના નાના એવા ગામ કરમસદમાં જન્મેલા વલ્લભભાઈ પટેલે આઝાદી પહેલા સર્વસ્વ છોડી દેશ પ્રથમની ભાવના સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આઝાદી પછી ભારતને અખંડ કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. આવા મહાન લોહપુરુષના અવતરણને જયારે ૧૫૦ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી એકતા યાત્રા દ્વારા કરવામાં આવી રહી છે. અખંડ ભારતના શિલ્પીને આપણે હંમશા યાદ રાખીયે તેજ આ પદયાત્રાનો ઉદ્દેશ્ય છે, તેમ સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ખોખડદડ ગામ ખાતે આયોજિત રાજકોટ ગ્રામ્ય -૭૧ વિધાનસભાની યુનિટી માર્ચ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
શ્રી રૂપાલાએ સરદારશ્રીના સાદગી, દ્રઢ મનોબળ, નીડરતા સહિતના વ્યક્તિવના કેટલાક ઉદાહરણ પણ પુરા પાડ્યા હતાં. સરદાર પટેલના ગુણો નાગરિકોને કેળવવા અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા સાંસદશ્રીએ અપીલ કરી હતી.
ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયાએ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલને યાદ કરી ભાષા, ધર્મ, પ્રાંતના ભેદભાવ ભૂલી રાષ્ટ્રને મજબૂત કરવા સાચા અર્થમાં એકતા કેળવવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોહ પુરુષ સરદાર પટલનું વિશ્વમાં સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું છે. જેમાં દેશભરના કિસાનોએ ખેત ઓજાર પુરા પાડ્યા છે. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરા અર્થમાં એકતાનું પ્રતીક છે તેમ શ્રી ભાનુબેને ગૌરવ સાથે જણવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ એકતા યાત્રા થકી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનમાંથી પ્રેરણા લઇ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના પ્રધાનમંત્રીશ્રીંના સ્વપ્નને પરિપૂર્ણ કરવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત નૃત્ય રજુ કર્યું હતું. નાયક સારિકાએ સરદાર પટેલનો પરિચય આપ્યો હતો. સરદાર પટેલના ગીત પર ધમાકેદાર ડાન્સ સહીત શાળાના બાળકો ગાંધીજી, સરદાર, ભગતસિંહ, જ્યોતિબા ફૂલે, રાણી લક્ષ્મીબાઈ સહિતના પાત્રોમાં સહભાગી બન્યા હતાં.
કાર્યક્રમમાં સૌ મહાનુભાવોએ સ્વદેશી વસ્તુ અને સ્થાનિક કારીગરોને પ્રાથમિકતા આપવાના શપથ લીધા હતાં. એકતા યાત્રા પૂર્વે મહાનુભાવોના હસ્તે ખોખડદડ ગામના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત અને ભુમિપુજન કરાયું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ એકતા યાત્રામાં અગ્રણી સર્વેશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, માધવભાઈ દવે, જયેશભાઈ બોઘરા, પ્રદીપભાઈ ડવ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચ શ્રી નૂરબેન હુંબલ, પ્રાંત અધિકારીશ્રી વિમલ ચક્રવર્તી, મામલતદાર શ્રી કે.એચ.મકવાણા સહિત અધિકારીઓ, પોલીસ જવાનો, ગ્રામજનો શાળાના વિદ્યાર્થીઓ પદયાત્રામાં સહભાગી બન્યા હતા.






