GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય પ્રશ્નોના નિકાલ માટે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ૧૯મીથી ‘સરપંચ સંવાદ’ યોજાશે

તા.૧૭/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓ દ્વારા તાલુકા મથકોએ બેઠકો યોજી પ્રશ્નોના ત્વરિત નિકાલ અને યોજનાઓના લાભો પહોંચાડવા વિશેષ આયોજન

Rajkot: રાજકોટ જિલ્લાના ગામડાઓના છેવાડાના નાગરિકો સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ સમયસર પહોંચાડવા અને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે નિકાલ લાવવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૯મી ફેબ્રુઆરીથી રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ આ સંવાદ કાર્યક્રમ શરૂ થશે.

રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકોએ સંબંધિત ગામના સરપંચો સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સંવાદ બેઠકો યોજવામાં આવશે.

૧૯મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યે વિંછિયા અને બપોરે ૩ વાગ્યે જસદણ ખાતે બેઠક યોજાશે, જ્યારે ૨૭મી ફેબ્રુ.એ બપોરે ૩ વાગ્યે કોટડાસાંગાણીમાં સરપંચ સંવાદ થશે.

૬ માર્ચના રોજ, બપોરે ૧૨ કલાકે ધોરાજી તથા બપોરે ૩ કલાકે જેતપુર ખાતે, ૧૩ માર્ચના રોજ બપોરે ૧૨ વાગ્યે ઉપલેટા અને બપોરે ૩ વાગ્યે જામકંડોરણા અને ૨૪ માર્ચના રોજ બપોરે ૩ વાગ્યે પડધરીમાં સરપંચ સંવાદ યોજાશે.

૭ એપ્રિલના રોજ બપોરે ૩ રાજકોટ તાલુકાનો જ્યારે ૯ એપ્રિલના રોજ બપોરે ૧૨ કલાકે ગોંડલ તથા બપોરે ૩ કલાકે લોધિકા ખાતે સરપંચ સંવાદ થશે.

બેઠક દરમિયાન સરપંચશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો, રજૂઆતો અને સૂચનો અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મેનેજિંગ ડિરેક્ટરશ્રી – પી.જી.વી.સી.એલ., પોલીસ અધિક્ષકશ્રી, સંબંધિત પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી સહિતના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહીને સ્થળ પર જ ચર્ચા કરીને સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ સુનિશ્ચિત કરશે.

આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા સરપંચોને અનુરોધ કરવામાં આવ્યો છે. ‘સરપંચ સંવાદ કાર્યક્રમ’ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસકાર્યોને વધુ વેગ ગતિ આપશે તથા લોકપ્રશ્નોના ઝડપી અને અસરકારક નિવારણ માટે સક્રિય મંચ પૂરું પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!