Rajkot: સૌરાષ્ટ્ર – કરછમાં સૌપ્રથમ વાર રાજકોટમાં આયોજિત “ક્રાઉડ મેનેજમેન્ટ”નાં વર્કશોપમાં ૧૧ જિલ્લાઓના અધિકારીઓ જોડાયા

તા.૨૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટના તજજ્ઞોએ આપત્તિ વખતે ક્ષમતાવર્ધન અંગે તાલીમ આપી
કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ “ધરોહર લોકમેળા”માં ભીડ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનની તાલીમનો શુભારંભ
“તજજ્ઞોના મેનેજરીયલ નોલેજનો લાભ લોકમેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે ચોક્કસપણે ઉપયોગી બની રહેશે” : કલેક્ટરશ્રી પ્રભવ જોશી
‘વિકાસ એવો હોવો જોઈએ કે જે આપણને આફતથી બચાવે : તજજ્ઞશ્રી અનિલ સિંહા”
Rajkot: દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૪થી ૨૮ ઓગસ્ટના પાંચ દિવસ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે “ધરોહર લોકમેળો-૨૦૨૪”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લોકમેળામાં ઉમટી પડનારા માનવ મહેરામણનું નિયમન કરવાના આશયથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પહેલના ભાગરૂપે સંભવત: રાજ્યભરમાં પ્રથમ વખત તાલીમ અને માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેનો શુભારંભ કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો.
લોકમેળામાં વિશાળ જનમેદની એકઠી થતી હોય છે, ત્યારે આવા સ્થળ પર આપત્તિ કે કોઈ અનિચ્છનીય ઘટનાઓ બનવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. આ સમયે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના કર્મચારીઓએ ડીઝાસ્ટર સંબંધિત કૌશલ્ય તાલીમ મેળવેલી હોય તો પૂર્વ આયોજન થકી આવી ઘટનાઓને બનતા પહેલા જ રોકી શકાય તથા જાનહાની ટાળી શકાય. આ ઉદ્દેશ સાથે ભારત સરકારના ગૃહ વિભાગ અંતર્ગત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નવી દિલ્હીનાં તજજ્ઞો દ્વારા રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન હોલ ખાતે લોકમેળામાં ભીડ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનનું માર્ગદર્શન તેમજ તાલીમ આપવા માટે તાલીમ કાર્યશાળા યોજાઈ હતી.
આ તકે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટના ધબકાર સમાન લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન અંદાજે ૮ લાખથી ૧૦ લાખની મેદની ઉમટી પડતી હોય છે. આવા સમયે દુર્ઘટના બનતી રોકવા માટે પ્રવેશદ્વારની સંખ્યા વધારવામાં આવી છે, દુકાનોની સંખ્યા ઘટાડવામાં આવી છે, વીમાકવચની રકમ અને ૧૦૮ એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધારાઈ છે. સાથેસાથે લાખોની ભીડને અંકુશમાં લાવવા ટેકનીકલ માર્ગદર્શન ખૂબ જ સહાયરૂપ બને છે. ત્યારે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંભવતઃ જિલ્લા કક્ષાએ પ્રથમ વખત તાલીમ અપાઈ રહી છે. તજજ્ઞોના મેનેજરીયલ નોલેજનો લાભ લોકમેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે ચોક્કસપણે ઉપયોગી બની રહેશે, તેવી ખાતરી છે.
આ અવસરે ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું કે આપણા દેશે પાછલા વર્ષોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. ગુજરાતમાં નાના-મોટી કુદરતી અને માનવસર્જિત આફતો વખતે ડેમેજ મીનીમાઈઝ કરી શકાયું છે. કઠિન સમયે ‘બેસ્ટ માટે પ્લાનિંગ કરવું અને વેસ્ટ માટે પ્રીપેર રહેવું’ આવશ્યક છે. ત્યારે આ એક દિવસીય કાર્યશાળા લોકમેળા સહિતની હજારો લોકો એકત્ર થતાં હોય તેવા અનેક કાર્યક્રમોમાં માનવ મહેરામણને અંકુશમાં લાવવા સહાયરૂપ બનશે.
એડિશનલ પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડીયાએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટમાં “ભીડ વ્યવસ્થાપન” માટે પોલીસની ભૂમિકા ખૂબ ઉપયોગી છે. ઇવેન્ટ શાંતિથી પૂર્ણ થાય, એ માટે પોલીસ વિભાગ ખૂબ અગાઉથી જ વ્યવસ્થાપન માટે આયોજન કરતું હોય છે. ક્રાઉડનું બેકગ્રાઉન્ડ, હવામાન, ઇવેન્ટનો પ્રકાર આ બધાનાં ટેકનિકલ મેનેજમેન્ટનાં એન્ગલને ખૂબ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. ત્યારે અહીં યોજાઇ રહેલું વર્કશોપ ખૂબ ઉપયોગી બની રહેશે.
મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર ઉત્સવપ્રિય પ્રદેશ હોવાથી અહીં અનેક ઉત્સવો યોજાતા રહે છે. અને આવા ઉત્સવોમાં ખૂબ બધી ભીડ થતી રહે છે. જેમાં નાસભાગ કે ફાયર ઈન્સિડન્ટ બનવાની શકયતા રહે છે. આ બનાવોને બનતા અને કાબૂમાં લેવા માઈક્રો મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. જેના માટે આ ઉચ્ચકક્ષાનાં તજજ્ઞોનો સેમિનાર ખૂબ ઉપયોગી બની રહેશે.
આ કાર્યક્રમમાં બિહાર સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના ફોર્મર વાઇસ ચાન્સેલરશ્રી અનિલકુમાર સિંહા એ ગુજરાત સાથેનો સંબંધ વર્ણવતા કહ્યું હતું કે ભારત સરકાર વતી વર્ષ ૨૦૦૧માં ૨૬મી જાન્યુઆરીએ આવેલા ભયાનક ભૂકંપનો ચિતાર આપવા આવવાનું થયું હતું. કલેક્ટરશ્રીએ આ તાલીમનું આયોજન કરતા આજે ફરીવાર આવવાનું થયું છે, જે બદલ તેમનો આભાર માનું છું.
તેમણે આપત્તિ વ્યવસ્થાપન અંગે જણાવ્યું હતું કે ‘એક્સપેક્ટ – ધ અનએક્સપેક્ટેડ’ અર્થાત્ જે અનઅપેક્ષિત છે, તે અપેક્ષિત છે. એટલે કે કોઈ દુર્ઘટના સર્જાય, તે ઇચ્છનીય નથી પરંતુ જો આપત્તિને અંકુશમાં લેવા માટે પૂર્વ આયોજન કરવામાં આવે તો તે કપરા સંજોગોમાં ઘણું મદદરૂપ બને છે.
અણધારી આફત આવે ત્યારે સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને વિકાસ એવો ન હોવો જોઈએ કે આફત બની જાય પરંતુ વિકાસ એવો હોવો જોઈએ કે જે આપણને આફતથી બચાવે, તેમ તેમણે ઉમેર્યું હતું.
એન.આઇ.ડી.એમ. હેડ ઓફ ડિવિઝનશ્રી પ્રોફેસર સુર્યપ્રકાશે કહ્યું હતું કે આપદા પ્રબંધનની તાલીમ મોટા ભાગે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કરાતી હોય છે, પણ રાજકોટના કલેકટરશ્રીએ તાલીમ માટે પહેલ કરી, તે સરાહનીય છે. વધુમાં, તેમણે કહ્યું હતું કે કોઈ પણ ઇવેન્ટમાં તેની ટાઇપ, નેચર, ફેસિલીટી, કેપિસીટી જોવી પડે અને સિસ્ટમેટીક ઓર્ડરથી કામ કરવું પડે, જેના માટે તાલીમબદ્ધ સ્ટાફ જોઈએ. જેમ કે ફાયરના સ્ટાફને આગ લાગે ત્યારે આધુનિક સાધનો ચલાવતા આવડે નહીં, તે બાબત યોગ્ય નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે વર્સ્ટ સીનારિયો માટે તૈયાર રહેવું જોઈએ. ગુજરાતમાં મોટો કોસ્ટલ એરિયા છે, ત્યારે પૂર્વ આયોજનમાં સંસાધન એકત્રિત કરવા તથા લાખો અસરગ્રસ્તોને સલામત રીતે સ્થળાંતરિત કરીને બચાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારના આપદા જેવી કે ફાયર, પૂર, વાવાઝોડાને કંટ્રોલ કરવા એક મજબૂત ઇંસિડેટલ કો- ઑર્ડીનેશન સિસ્ટમ હોવી જોઈએ. આરોગ્યના સ્ટાફને હાર્ટએટેકના સી.પી.આર.ની જાણકારી હોય તો દર્દીઓને યોગ્ય સમયે ટ્રીટમેન્ટ મળે તો જીવન બચી શકાય છે.
આ તાલીમમાં ભીડનું નિયમન, જનસમૂહના મેળાવડા નિયમન માટેની નીતિ, આયોજન, ભીડની લાક્ષણિકતાઓ તથા નિયમન અંગેના પડકારો, કેસ સ્ટડીઝ અને સાવચેતીના પગલાઓ અંગેની તૈયારીઓ જેવી બાબતો વિષયક માર્ગદર્શન અપાયું હતું. તેમજ નિષ્ણાતોના સ્વાનુભાવની વહેંચણી કરવામાં આવી હતી.
આ સેમિનારમાં તજજ્ઞો તરીકે એન.ડી.એમ.એ.ના સલાહકારશ્રી ડો. પવનકુમાર સિંઘ, ગુજરાત ફાયર સર્વિસીસના ડાયરેકટરશ્રી નલીન ચૌધરી, એન.આઇ.ડી.એમ.ના વિમલ તિવારી એ પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી ચેતન ગાંધી, ડી.સી.પી.શ્રી જગદીશ બાંગરવા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત માર્ગ અને મકાન, ફાયર, આરોગ્ય, પોલીસ, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના અધિકારીઓ ઉપરાંત સૌરાષ્ટ્રભરના જામનગર, દ્વારકા, ગીરસોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ મળી કુલ ૧૧ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.








