Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીનીઓના પ્રતિભાવો

તા.૨૬/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સ્વસ્થ ભારતના નિર્માણમાં સૌ ડોક્ટરોએ સહભાગી બનવું જોઈએ
ધૃતિ અઘારા
સી. યુ. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી ધૃતિ અઘારાને સાત ગોલ્ડ મેડલ્સ મળ્યા છે. તેણીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આગળ હવે મેડિકલ ક્ષેત્રના
પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં અભ્યાસ કરી દર્દીઓની સેવા કરવી છે. ખાસ કરીને ભારત દેશની અંદર બીમારીઓના વધતા પ્રમાણને ધ્યાનમાં લઈને સ્વસ્થ ભારતના નિર્માણમાં તમામ ડોક્ટરોને સહભાગી બનવુ જોઈએ તેવી ખાસ લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જ્ઞાનનો દેશ સેવામાં ઉપયોગ કરવા, અને શિક્ષાને સાર્થક કરવા પ્રતિબદ્ધતા દર્શાવવા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો છે, ત્યારે
ધૃતિએ પણ તેના પ્રતિભાવમાં રાજ્યપાલશ્રીની આ વાતનો સુપેરે સ્વીકાર કર્યો હતો અને
પોતાની સફળતા માટે માતા-પિતા પ્રોફેસર તેમજ તમામ મિત્રોનો આભાર માન્યો હતો.
સશક્ત સમાજના નિર્માણમાં મહિલાઓના ઉત્કર્ષ માટે કામગીરી કરવી છે
– ખ્યાતિ ગોસ્વામી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ૩ ગોલ્ડ મેડલ મેળવનાર લો ફેકલ્ટીની ખ્યાતી ગોસ્વામી તેમની કારકિર્દીમાં વકીલાતની પ્રેક્ટિસ કરવા માંગે છે.
ખાસ કરીને મહિલાઓ પર થતા અત્યાચારો સામે તેઓને રક્ષણ આપવા માટે ફેમિલી પ્રેક્ટિસમાં આગળ વધવાની ઈચ્છા ધરાવતી ખ્યાતિ કહે છે કે, સશક્ત સમાજના નિર્માણમાં મહિલાઓને મજબૂત બનાવવી જરૂરી છે. તેઓને જરૂરી ન્યાય મેળવવામાં લો ની પ્રેક્ટિસ અને જરૂરી માર્ગદર્શન દ્વારા હું રાષ્ટ્રની સેવા કરવા માંગુ છું.





