Rajkot: પ્રાકૃતિક કૃષિની પાઠશાળા એટલે ‘મોડેલ ફાર્મ’ પ્રાકૃતિક કૃષિ અભિયાનને બળ પૂરું પાડતા રાજકોટ જિલ્લામાં ૩૨૭ મોડેલ ફાર્મ

તા.6/11/2025
વાત્સલયમ્ સમાચાર
આલેખન : રાજકુમાર
વર્ષે ૧૫૦૦થી વધુ ખેડૂતો અમારા ફાર્મની રૂબરૂ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અંગે પ્રશિક્ષણ મેળવે છે – વ્રજરાજ મોડેલ ફાર્મના શ્રી ઉપેન્દ્રભાઈ
Rajkot: રાસાયણિક ખેતી જમીન અને આરોગ્ય માટે હાનિકારક તો છે જ, સાથે ખર્ચાળ પણ ખરી. ત્યારે હવે પરિવર્તન લાવવાનો સમય છે. રાસાયણિક ખેતીના સ્થાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી ખેડૂતો બહોળા પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જેનો લાભ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ઉપભોક્તા તરીકે સૌને મળી રહ્યો છે.
પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે સેમિનાર, મેળા અને વેચાણ સહ પ્રદર્શનના વ્યાપક આયોજન સાથે રાજ્યપાલશ્રીની મુહિમ હવે પ્રાકૃતિક કૃષિનું આંદોલન બની ચૂક્યું છે. ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અંગે લાઈવ માર્ગદર્શન મળી રહે તે માટે વિશેષ પ્રેરણારૂપ ‘મોડેલ ફાર્મ’ પ્રાકૃતિક ખેત પેદાશની પાઠશાળા બની રહી છે. ત્યારે આવો જાણીએ કે મોડેલ ફાર્મ કેવી રીતે ખેડૂતોને ઉપયોગી થઈ રહ્યું છે.
રાજકોટના આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી એચ.વાદીએ જણાવ્યું છે કે, આત્મા પ્રોજેક્ટ હેઠળ જિલ્લા, તાલુકા ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને પ્રશિક્ષિત કરવા માટે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ‘મોડેલ ફાર્મ’ વિકસાવવામાં આવ્યા છે. ખેડૂતોને નજીકના સ્થળે પ્રાકૃતિક કૃષિ અંગે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી કરતા અનુભવી ખેડૂતોને ‘મોડેલ ફાર્મ’ માટે પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે બે-ત્રણ ગામ વચ્ચે એક મોડેલ ફાર્મ નક્કી કરવામાં આવે છે.
કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં મોડેલ ફાર્મ ધરાવતા શ્રી ઉપેન્દ્રભાઈ નાથાણી આ અંગે વિશેષ જણાવે છે કે, મોડેલ ફાર્મ એટલે એક પ્રકારની પાઠશાળા… અહીં આસપાસના ગામના ખેડૂતો મુલાકાત અથવા પ્રવાસે આવે છે. કેટલીક વાર મોડેલ ફાર્મ પર શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે.
અમારા મોડેલ ફાર્મ પર વર્ષે ૧૫૦૦થી વધુ ખેડૂત મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા અંગે જરૂરી માર્ગદર્શન મેળવતા હોવાનું શ્રી ઉપેન્દ્રભાઈ જણાવે છે. શિબિરમાં આવતા ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે જરૂરી ઘન જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ, તેનો છંટકાવ, ગૌશાળાની જરૂરિયાત સહિતની માહિતી મેળવે છે. તેઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ ખેડૂત શ્રી ઉપેન્દ્રભાઈ ખેતીમાં મૂલ્યવર્ધન કરી ‘વિરાજ’ નામક બ્રાન્ડ સાથે કૃષિ પેદાશનું વેચાણ કરી સારો નફો પણ મેળવી રહ્યા છે. તેઓએ વર્ષ ૨૦૦૮થી રાસાયણિક ખેતી કરવાનું છોડી દીધું છે. ૩૬ વીઘા જમીનમાં તેઓ ઋતુ પ્રમાણે હળદળ, મરચી, મગફળી, જીરું, ધાણા, ચણા સહિતના પાકનું વાવેતર કરે છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહીત અનેક મહાનુભાવોએ કૃષિ એવોર્ડ મેળવી ચૂકેલા ઉપેન્દ્રભાઈના મોડેલ ફાર્મની મુલાકાત લઈ તેમના કામની સરાહના કરી છે.
રાજકોટ જિલ્લામાં રાજકોટ, ગોંડલ, જેતપુર, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા, કોટડા સાંગાણી, જસદણ, વિંછીયા, પડધરી તાલુકાઓમાં ૩૦૦થી વધુ મોડેલ ફાર્મ કાર્યરત છે.
રાસાયણિક ખેતી છોડીને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે કાર્યમાં આ મોડેલ ફાર્મ વિશેષરૂપે ઉપયોગી થઈ રહ્યા છે.








