Rajkot: ૨૬ સપ્ટેમ્બર: વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસે વાત એક પ્રેરણાદાયી બુઝુર્ગની
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
પોલિથીનનો વપરાશ રોકવા વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરતા રાજકોટના ૭૩ વર્ષીય શ્રી કાંતિલાલ ભૂત
શ્રી કાંતિલાલ પ્રકૃતિ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ સહિત અનેકવિધ સેવાકાર્યો કરે છે
Rajkot: ‘‘ઝટ જાઓ, કાપડની થેલી લાવો, પ્લાસ્ટિકના ઝબલા નહીં ચાલે..’’ રાજકોટમાં ક્યાંય આવું ગીત સંભળાય તો માનજો કે આસપાસ ક્યાંક કાપડની થેલી વિતરણ કરતા એક દાદા ફરી રહ્યા છે…
દર વર્ષે ૨૬ સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મનાવવામાં આવે છે. પર્યાવરણ એ માનવીની જીવાદોરી છે. આ વાતને કેન્દ્રમાં રાખતા રાજકોટના ૭૩ વર્ષીય શ્રી કાંતિલાલ ભૂતે પ્રકૃતિ અને પર્યાવરણ જતન અર્થે પ્રેરણાદાયી પહેલ કરી છે.
પ્લાસ્ટિક પોલિથીન એ પર્યાવરણ માટે ઘાતક છે, ત્યારે નાગરિકો તેનો ઉપયોગ ટાળે તે માટે આ ૭૩ વર્ષીય વડીલ શહેરની મુખ્ય બજારો, મેળાઓમાં કાપડની થેલી વાપરવાનો સંદેશો દર્શાવતા બોર્ડ હાથમાં લઈને ફરે છે, કાપડની થેલીનું વિતરણ કરે છે અને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપે છે.
શ્રી કાંતિલાલ પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી તેમની ધર્મપત્ની સાથે મળીને કપડાંની થેલીઓ બનાવી રહ્યા છે અને તેનું વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, હું જ્યારે શાકભાજી લેવા જતો ત્યારે જોતો કે લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ દ્રશ્યો મને વ્યથિત કરતા. એ સમયે વિચાર આવ્યો કે જો આપણે લોકોને કાપડની થેલીઓ આપીશું, તો તેઓ તેનો ઉપયોગ કરતા થશે.
આ વિચારને અમલમાં મૂકવા માટે, તેમણે શનિવારી બજારમાંથી કાપડ ખરીદીને થેલીઓ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, તેમણે નજીવા દરે થેલીઓ વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ સારો પ્રતિસાદ ન મળ્યો. ત્યારબાદ, તેમણે આ થેલીઓ વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું, તો લોકોએ આનંદ સાથે તેમની પાસેથી થેલીઓ લઇ તેનો ઉપયોગ શરૂ કર્યો અને સામેથી દાન પણ આપવા લાગ્યા. તેમને પહેલું દાન રૂ. ૦૫ હજારનું મળ્યું અને અત્યાર સુધીમાં તેમને કુલ રૂ. ૪૦ હજારથી વધુ રકમનું દાન મળ્યું છે. તેઓ શાક માર્કેટ, ફૂલ બજાર, રામનાથપરા સ્મશાન પાસે અને રેસકોર્સમાં પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત વસ્તુઓ સહિત ઉત્પાદનોનું વેચાણ થતા ખેડૂત હાટ ખાતે કાપડની થેલી વિતરિત કરે છે. ઉપરાંત, તેઓ મોરબી, ટંકારા, ગોંડલ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ થેલીઓનું વિતરણ કરી ચૂક્યા છે.
શ્રી કાંતિલાલભાઈ માત્ર કાપડની થેલીઓનું વિતરણ જ નહીં, પરંતુ અન્ય અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. તેમણે રાજકોટ મહાનગરપાલિકાની જમીન પર સ્થિત ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણમાં સહયોગ આપ્યો છે. તેમના ઘરે પણ વિવિધ ફૂલ છોડ અને વૃક્ષો છે. તેઓ અંધશ્રદ્ધા નિવારણ માટે વૈજ્ઞાનિક કારણો આપીને ડેમોસ્ટ્રેશન પણ આપે છે. તેઓ માનવતા ધર્મમાં માને છે અને બાળકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવે છે. તેઓ છેલ્લાં ૧૫ વર્ષથી ‘અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ના ટ્રસ્ટી તરીકે ‘હેપ્પી સ્કૂલ’ સાથે જોડાયેલા છે, જ્યાં ૪૦૦ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે શિક્ષણ મેળવે છે અને આ શાળા મહિલાઓ સંચાલિત છે.
શ્રી કાંતિલાલભાઈની જીવનશૈલી સાદગીભરી છે. તેઓ જંક ફૂડ ખાતા નથી. તેમણે પ્લાસ્ટિકનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. બહાર જમવા જાય ત્યારે પણ તેઓ ઘરેથી સ્ટીલના વાસણો સાથે લઈ જાય છે. તેમને પુસ્તકો વાંચવાનો પણ ખૂબ શોખ છે અને તેમના ઘરે ૩૫૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. ભલે તેમનું જીવન સંઘર્ષમય રહ્યું હોય, પરંતુ તેમનો એક જ વિચાર છે કે માણસ તરીકે જન્મ લીધો છે, તો સમાજને કંઈક પાછું આપવું જોઈએ. તેમની ત્રણ દીકરીઓ પરણીને સાસરે છે અને તેઓ તેમની પત્ની સાથે રહીને સમાજસેવાના આ કાર્યો કરી રહ્યા છે.
ગુજરાત સરકાર પર્યાવરણ સંરક્ષણ અર્થે પ્લાસ્ટિકમુક્ત અભિયાન જેવા અનેક પ્રયાસો કરી રહી છે. ત્યારે આપણે સૌ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળીએ અને પ્રકૃતિના જતનમાં સહભાગી બનીએ.