
વિજાપુરમાં વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી, મહાઆરતી અને સેવાકીય કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર, તા. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદના 12 વર્ષ પૂર્ણ થતાં વિજાપુર શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે દેશના સર્વાંગી વિકાસ, સુશાસન અને જનકલ્યાણના કાર્યને બિરદાવતા મહાઆરતી તેમજ કર્મચારીઓના સન્માનરૂપે કેરી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકાના લાડોલ ગામ સ્થિત હરસિદ્ધિ માતાજીના મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, નિરોગી જીવન તેમજ રાજ્ય અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનોએ હાજરી આપી આરતીનો લાભ લીધો હતો.આ ઉપરાંત શહેરના છબીલા હનુમાનદાદાના મંદિરે ભાજપ શહેર સંગઠન દ્વારા મહાઆરતી યોજાઈ હતી. અહીં પણ વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળને જનવિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના પ્રતીક તરીકે વધાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન દેશની સમૃદ્ધિ અને પ્રગતિ માટે મંગલકામનાઓ કરવામાં આવી હતી.
સાથે સાથે નગરપાલિકા ખાતે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને વર્ગ-3ના કર્મચારીઓને કેરીનું વિતરણ કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમમાં કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.




