Rajkot: શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે: પાલખી યાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે

તા.૧૩/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં બેઠકમાં ઉજવણીની રૂપરેખા નક્કી કરાઈ
મંદિરમાં મહા આરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ માટે રુદ્રાભિષેક, શૃંગાર દર્શન તથા ૧૦૦૮ દીવડા પ્રજ્વલિત કરાશે
Rajkot: આગામી તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીની ઉજવણીને ધ્યાનમાં રાખીને ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા નક્કી કરાઈ હતી. આ તકે મહાશિવરાત્રીના સુચારુ આયોજન અંગે મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં નક્કી કરાયેલા આયોજન મુજબ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે વહેલી સવારે શ્રી ઘેલા સોમનાથ મહાદેવની મંગળા આરતી યોજાશે. ત્યારબાદ દર્શનાર્થીઓ માટે સવારે અને બપોરે એમ બે વખત રુદ્રાભિષેક કરવામાં આવશે. મંગળા આરતી બાદ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા પણ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.
સમગ્ર દિવસ દરમિયાન બે વખત ધ્વજારોહણ કરવામાં આવશે. સવારે તેમજ રાત્રે બે વખત મહાદેવની મહાપૂજા યોજાશે. આ ઉપરાંત બપોરે બરાબર ૧૨ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે શૃંગાર દર્શન, સંધ્યા આરતી તેમજ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પ્રહરની આરતીઓનું આયોજન પણ કરવામાં આવશે.
વહીવટી તંત્ર દ્વારા મહાપૂજા અને મહા આરતીની સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઋષિકુમારો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પાઠાત્મક લઘુરુદ્ર અને ડમરૂનાદનું આયોજન કરાશે.
મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર ઘેલા સોમનાથ મંદિર પરિસરમાં ૧૦૦૮ દીવડાઓ પ્રજ્વલિત કરાશે. ઘેલા સોમનાથ ખાતે મહાશિવરાત્રીના દિવસે ભક્તોને ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિકતાનો અનુભવ થશે.
આ બેઠકમાં પ્રાંત અધિકારી જસદણ શ્રી રાહુલ ખાંભરા, પ્રાંત અધિકારી વીંછીયા શ્રી ઉત્તમ કાનાણી, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડો. નવીન ચક્રવર્તી, મામલતદાર શ્રી આઈ. જી. ઝાલા તથા શ્રી ઘેલા સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટના શ્રી બીપીનભાઈ જાગાણી, શ્રી વલ્લભભાઈ ઝાપડિયા, શ્રી ખોડાભાઈ ખસિયા, શ્રી રાજુભાઈ જોશી, શ્રી ભોળાભાઈ રબારી અને શ્રી વિજયભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.







