Rajkot: લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂ

તા.૩/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ગ્રામ્ય કક્ષાએથી ૧ માર્ચ સુધી નોંધણી કરાવી શકાશેઃ ૪ માર્ચથી ૧૫ મે દરમિયાન ઘઉંની ખરીદી કરાશે
Rajkot: ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ખેડૂતો પાસેથી ઘઉંની લઘુતમ ટેકાના ભાવ રૂ. ૨૫૮૫ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવેલી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે ઘઉંની ખરીદી કરવામાં આવશે. આ માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે.
ખેડૂતો ગ્રામ્ય કક્ષાએથી વી.સી.ઈ. મારફતે ૧ માર્ચ ૨૦૨૬ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ખેડૂત ખાતેદારોની નોંધણી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કરવામાં આવશે. જ્યારે ઘઉંની ખરીદી તા. ૪ માર્ચથી ૧૫ મે સુધી કરવામાં આવશે
નોંધણી માટે પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮/અ, તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨, ૮/અમાં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગતો માટે બેંકની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક સાથે લાવવાના રહેશે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત હોવાથી, સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો.
નોંધણી કરાવેલા ખેડૂતોને એસ.એમ.એસ. મારફતે ખરીદીની જાણ કરાશે. ખરીદી વખતે આધાર કાર્ડ કે ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થાની ખરીદી થશે. ડોક્યુમેન્ટ ખોટા અપલોડ કરાયા હશે તો ક્રમ રદ થઈ જશે અને ખરીદીની જાણ નહીં થાય. વધુ વિગતો માટે હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરી શકાશે, તેમ રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની યાદીમાં જણાવાયું છે.



