Rajkot: વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી યોજનાઓથી યુવાનોના સ્વપ્નો સાકાર થઈ રહ્યાં છે: કેબિનેટ મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા

તા.૧૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રી ડૉ. પદ્યુમન વાજાએ રાજકોટ સ્થિત શ્રી ઠક્કરબાપા કુમાર છાત્રાલયની મુલાકાત લીધી
Rajkot: કેબિનેટ મંત્રીશ્રી ડૉ. પદ્યુમન વાજાએ રાજકોટ સ્થિત શ્રી ઠક્કરબાપા કુમાર છાત્રાલયની મુલાકાત લીધી હતી. આ તકે મંત્રીશ્રીએ છાત્રાલયમાં રૂમ, લાઇબ્રેરી, રસોડું, ટોયલેટ બ્લોક સહિત ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ફરજ પરના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી હતી.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી પ્રદ્યુમ્ન વાજાએ અનુસુચિત જાતિ સમાજનાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ દાતાશ્રીઓનું સન્માન કર્યુ હતુ
શ્રી ઠક્કરબાપા કુમાર છાત્રાલય ખાતે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ” બાળકો-વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે, આઝાદીના ૧૦૦ વર્ષમાં દેશને વિકસિત અને સમૃદ્ધ દેશ બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે.” ત્યારે યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત સમાજનાં તમામ વર્ગનો સર્વાંગી વિકાસ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં વર્તમાન સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.
તેમણે વિશેષમાં સરકારશ્રીની નમો લક્ષ્મી યોજના, પાયલોટ યોજના, વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના સહિત વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી યોજનાઓથી વિદ્યાર્થીઓના સ્વપ્નો સાકાર થઈ રહ્યા હોવાનું ઉમેર્યું હતું.
છાત્રાલયમાં નિયમિત મુલાકાત કરી વિદ્યાર્થીઓ અને છાત્રાલયના વિકાસમાં યોગદાન આપવા સમાજ શ્રેષ્ઠિઓને મંત્રીશ્રીએ આ તકે આહ્વાન કર્યું હતું.
અનુસુચિત જાતિ મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલસિંહ આર્યએ રાજ્યમાં કાર્યરત વિદ્યાર્થી ઉત્કર્ષલક્ષી યોજનાઓની સરાહના કરી હતી. વિદ્યાર્થીઓ શિક્ષિત બની, પોતાના સ્વપ્નો સાકાર કરી, દેશના વિકાસમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.
છાત્રાલય મુલાકાત દરમિયાન મંત્રીશ્રી સાથે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સહિત મહાનુભાવશ્રીઓ, અગ્રણીઓ તેમજ સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.





