Rajkot: “વિદ્યાર્થી ઉત્કર્ષ યોજનાઓની શ્રેણી – ૦૭” દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન એટલે ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’

તા.૩/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
રાજકોટ ગ્રામ્યમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ” હેઠળ આશરે ૪૮૦ સરકારી શાળાઓનો સમાવેશ
૧,૦૫૨ ક્લાસ રૂમનું આધુનિકીકરણ, ૪૭૯ કમ્પ્યૂટર લેબ અને ૧,૫૯૧ સ્માર્ટ ક્લાસરૂમનું નિર્માણ કરાયુ
Rajkot: દેશના સર્વાંગી વિકાસ માટે સમાજ શિક્ષિત હોય તે ખૂબ આવશ્યક છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ ક્ષેત્રે કરેલી નક્કર કામગીરીના પગલે ગુજરાતનું શિક્ષણ મોડલ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું છે. શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવવામાં અગ્રેસર ગુજરાતની આગવી પહેલ ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ છે. જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વધુ સારી માળખાકીય સુવિધા થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને ગુજરાતની ભાવિ પેઢીનું ભવિષ્ય ઊજ્જવળ બનાવવાનો છે.
શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવામાં આવે તેમજ બાળકોને સ્માર્ટ ક્લાસ રૂમ, સ્ટેમ લેબ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ સહિતનું આકર્ષણ શાળા સંકુલમાં જ મળી રહે, તો શૈક્ષણિક ગુણવત્તામાં મહત્તમ સુધારા થઈ શકે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૨માં દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય અભિયાન ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’નો ગુજરાતમાં પ્રારંભ થયો હતો.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકાર આશરે રૂ. ૧૨ હજાર કરોડનો ખર્ચ કરશે. તેમજ આ પ્રોજેક્ટ માટે વિશ્વ બેન્ક તરફથી ૭૫૦ મિલિયન ડોલરનું ભંડોળ જાહેર થયું છે. ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’નો ઉદ્દેશ માળખાગત સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ સાધનો અને પાયાના શિક્ષણને મજબૂત બનાવીને રાજ્યભરમાં આવેલી લગભગ ૪૦ હજાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને અપગ્રેડ કરવાનો છે.
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલે કહ્યું હતું કે હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં આશરે કુલ ૪૮૦ સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ કાર્યરત છે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે ૪૩૬ નવા વર્ગખંડો બનાવવામાં આવ્યા છે. તેમજ લગભગ ૧૦૫૨ ક્લાસ રૂમનું આધુનિકીકરણ થઈ ચૂક્યું છે.
રાજકોટ ડિસ્ટ્રિકટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કો-ઓર્ડીનેટર શ્રી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ અભિગમને આગળ વધારવા માટે આશરે ૪૭૯ નવી કમ્પ્યૂટર લેબ તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર અંદાજિત ૧૦ નવી સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીયરિંગ, મેથેમેટિક્સ) લેબ બનાવવામાં આવી છે, જ્યારે લગભગ ૧૫૯૧ નવા સ્માર્ટ ક્લાસ રૂમનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ હાલમાં અમુક શાળાઓમાં નવા ઓરડા બનાવવા, શાળાનું રીનોવેશન જેવી કામગીરી પ્રગતિ હેઠળ છે.
આમ, ગુજરાતભરમાં ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત સ્કૂલ ટ્રાન્સફોર્મેશન થવાથી પસંદ થયેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના અનેક વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે અને શિક્ષણના પાયા મજબૂત બનશે.






