
તા.૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રીએ કમળાપુર કન્યા પ્રાથમિક શાળામાં રૂ. ૭૦ લાખના ખર્ચે નિર્મિત ૦૬ નવા વર્ગખંડોનું લોકાર્પણ કર્યું
Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર ગામ ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કમળાપુર કન્યા પ્રાથમિક શાળામાં ‘‘સમ્રગ શિક્ષા અભિયાન’’ હેઠળ રૂ. ૭૦ લાખના ખર્ચે નિર્મિત ૦૬ નવા વર્ગખંડોનું લોકાર્પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે તમે બધા ભારતનું ભવિષ્ય છો. અભ્યાસ જીવનનું ઘડતર કરે છે. મોટા થઈને ડોક્ટર, એન્જીનીયર, ટીચર, કલાકાર જે બનવું હોય એ ચોક્કસ ધ્યેય નક્કી કરીને, તેને પ્રાપ્ત કરવા માટે અથાક પરિશ્રમ કરો. કારણ કે મહેનતનો કોઈ વિકલ્પ નથી. સપનાઓને સાકાર કરીને પરિવાર અને દેશનું નામ રોશન કરજો. ખૂબ ભણો અને આગળ વધો.. સરકાર તમારી સાથે છે..
આ તકે આચાર્ય શ્રી રમેશભાઈ ધોળકીયા, અગ્રણી શ્રી ભાવેશભાઈ વેકરીયા સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.







