Rajkot: તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે કરે છે તાલીમબદ્ધ
તા.૨૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ખાસલેખ:- રાધિકા વ્યાસ/ જીતેન્દ્ર નિમાવત
કૃષિ ટેક્નોલોજી “લેબથી લેન્ડ” સુધી પહોંચીને ખેડૂતોને સધ્ધર બનાવે છે: કૃષિ વૈજ્ઞાનિક જીવરાજ ચૌધરી
ખેડૂતો સમૃદ્ધ થાય, જમીન ફળદ્રુપ રહે અને લોકોને કેમિકલ વગરનું અનાજ મળે તે જ અમારો ઉદ્દેશ્ય: એમ.એમ.તળપદા વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક
Rajkot: ભારત કૃષિપ્રધાન દેશ છે. આજે પણ એક મોટો વર્ગ ખેતી અને પશુપાલન સાથે સીધી અથવા આડકતરી રીતે જોડાયેલો છે. ખેડૂતોને વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે. “સૌની” અને “સુજલામ સુફલામ” જળસંચય યોજના સહિતની યોજનાઓથી સૌરાષ્ટ્રની ખેતીને સિંચાઈનું પાણી મળી રહ્યું છે. આ ઉપરાંત ખેડૂતોના ખેત પાકની લલણીથી કાપણી અને પાકને બજાર સુધી પહોંચાડવા સાધન સહાય સહિત ખેતી સાધનો માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. ત્યારે આજે વાત કરીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની કે જે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરી જવા તાલીમબદ્ધ કરે છે.
શું છે આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર?
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આવતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયા ખાતે ફરજ બજાવતા વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક એમ.એમ. તળપદાએ આ કેન્દ્ર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિકે કહ્યું કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આત્મા, ગ્રામસેવક કે અન્ય વિભાગો તરફથી કર્મચારીઓ, ખેડૂતો, સખી મંડળની બહેનોને કૃષિલક્ષી વિવિધ તાલીમ આપવામાં આવે છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, ખેતી કેમિકલમુક્ત બને, લોકોને કેમિકલમુક્ત અનાજ મળે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ખેડૂતોને ખેતીના પાંચ આયામ વિશે વિસ્તૃત રીતે થિયરી અને પ્રેક્ટીકલી પણ સમજાવવામાં આવે છે. આ ઉપરાંત સખી તાલીમમાં બહેનોને તાલીમબદ્ધ કરવામાં આવે છે, આ બહેનો વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવી શકે તે રીતે બહેનોને તમામ જાણકારી આપવામાં આવે છે. આ બહેનો પોતાના ક્લસ્ટરમાં કેમિકલમુક્ત જમીન વિશે ખેડૂતોને સમજાવી પ્રાકૃતિક ખેતીથી બજારમાં પાકનાં સારા ભાવ મળી રહે તેના વિશે પણ ખેડૂતોને જાણકારી આપે છે.
જો ખેડૂતો ખેતીમાં વધુ રસાયણનો ઉપયોગ કરશે તો ભારતની ખેતી ભવિષ્યમાં કેવી હશે તેની ચિંતા સરકાર કરે છે તેમ અન્ય એક કૃષિ વૈજ્ઞાનિક જીવરાજ ચૌધરીએ કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, કૃષિ ટેક્નોલોજી “લેબથી લેન્ડ” સુધી પહોંચીને ખેડૂતોને સધ્ધર બનાવે છે. પ્રાકૃતિક ખેતી આજના સમયની જરૂરિયાત છે. ખેડૂતોએ સૌપ્રથમ પોતાના અને પોતાના પરિવાર માટે જમીનના નાના ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરવો જોઈએ. થોડા સમયમાં જ પ્રાકૃતિક ખેતીનું સુખદ પરિણામ જોવા મળશે. ત્યારબાદ ખેડૂતો પોતાની તમામ ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને જમીન, પર્યાવરણ અને માનવ શરીરને કેમિકલ મુક્ત બનાવવા મોટો ફાળો આપી શકે છે. પ્રાકૃતિક ખેતીના આયામો બનાવવામાં સરળ અને ખૂબ જ સસ્તા છે. આયામો બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતોને વિનામૂલ્યે તાલીમ અને સાથે રહેવા- જમવાની સુવિધા પણ આપવામાં આવે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયા વર્ષોથી ખેડૂતો માટે તાલીમ યોજે છે, ડેમોસ્ટ્રેશન યોજે છે. તેમજ ગામડે ગામડે જઈને ખેડૂતોને તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ વિશે જાગૃત કરે છે. કારણકે, જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ, માનવ શરીર અને દેશની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે.