Rajkot: “ક્ષયમુક્ત ભારતનું આહ્વાન, રાખીએ સૌ આપણું ધ્યાન” રાજકોટ ગ્રામ્યમાં સઘન ક્ષય નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત ૧૦૩ દિવસમાં ટી.બી.ના ૨૯૪ કેસો ડિટેક્ટ થયા

તા.૨૪/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
ક્ષય નિવારણ કેન્દ્ર અંતર્ગત હાલમાં ૧૧૯૯ દર્દીઓ વિનામૂલ્યે સારવાર હેઠળ
વર્ષ ૨૦૨૪ માટે ૨૮૧ ગ્રામ પંચાયતો ટી.બી. મુક્ત જાહેર : ૮૩ ગ્રામ પંચાયતો બીજા વર્ષે પણ ક્ષયમુક્ત
ક્ષય નિર્મૂલન ઝુંબેશની સમયમર્યાદા વધારીને ૩૦ એપ્રિલ સુધી કરાઈ
Rajkot: દર વર્ષે તા. ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવાય છે. આ વર્ષની થીમ ‘યસ! વી કેન એન્ડ ટી.બી. : કમિટ, ઇન્વેસ્ટ, ડીલીવર’ છે. ક્ષય એ ચેપી રોગ છે, જે માઈકોબેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસીસ બેક્ટેરિયાને કારણે થાય છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર ભારતને ક્ષયમુક્ત બનાવવાના નિર્ધારને સાકાર કરવાના આશયથી કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશનો આરંભ ગત તા. ૦૭ ડિસેમ્બર, ૨૦૨૪થી કરાયો છે.
જે અન્વયે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય તંત્ર ગ્રામ્ય વિસ્તારમાં ક્ષય નિર્મૂલન ઝુંબેશને સફળ બનાવવા મિશન મોડમાં કાર્યરત છે. આ અભિયાન હેઠળ રાજકોટ જિલ્લામાં ગત તા. ૧૯ માર્ચ સુધી એટલે કે ૧૦૩ દિવસમાં ૧.૩૬ લાખ હાઈરિસ્ક લોકોનું સ્ક્રીનીંગ કરાયું હતું, જે પૈકી ૪૬,૧૪૮ લોકોના ફેફસાંનો એક્સ-રે કરાયો છે, જ્યારે ૧૫,૭૨૬ લોકોના ગળફાંની તપાસ કરાઈ હતી. જે પૈકી ૨૯૪ લોકોને ક્ષય હોવાનું નિદાન થયું છે. તેમજ હાલમાં કુલ ૧૧૯૯ દર્દીઓને જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર હેઠળ વિનામૂલ્યે સારવાર અપાઈ રહી છે.વર્ષ ૨૦૨૪ માટે ૨૮૧ ગ્રામ પંચાયતો ટી.બી. મુક્ત જાહેર
રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદીકરણ કાર્યક્રમને વેગવંતુ બનાવવા ગત વર્ષથી નિયત માપદંડોને આધિન ગ્રામ પંચાયતોને ક્ષયમુક્ત જાહેર કરીને સન્માનિત કરવામાં આવે છે. રાજકોટ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. ઘનશ્યામ મહેતાના માર્ગદર્શનમાં રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ માટે ૧૩૫ ગ્રામ પંચાયતોને ક્ષયમુક્ત જાહેર કરાઈ હતી. આ સંખ્યા વર્ષ ૨૦૨૪ માટે વર્ષ ૨૦૨૩ કરતા બમણીથી વધુ એટલે કે ૨૮૧ ગ્રામ પંચાયતો ટી.બી. મુક્ત જાહેર થઈ છે, જેમાં ૧૯૮ બ્રોન્ઝ કેટેગરી (માત્ર વર્ષ ૨૦૨૪ માટે પસંદ થયેલી) અને ૮૩ સિલ્વર કેટેગરી (ગત વર્ષ ૨૦૨૩માં પણ પસંદ થયેલી) છે. જેમાં સૌથી વધુ રાજકોટ તાલુકાની ૫૬, ધોરાજી તાલુકાની ૧૪, ગોંડલ તાલુકાની ૨૫, જામકંડોરણા તાલુકાની ૩૨, જસદણ તાલુકાની ૨૩, જેતપુર તાલુકાની ૪૧, કોટડાસાંગાણી તાલુકાની ૨૫, લોધિકા તાલુકાની ૧૨, પડધરી તાલુકાની ૩૩, ઉપલેટા તાલુકાની ૧૪ અને વિંછીયા તાલુકાની ૦૬ એમ કુલ ૨૮૧ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે, જેને જિલ્લા આરોગ્ય તંત્રની સિદ્ધિ ગણાવી શકાય. આ વખતે ‘વિશ્વ ક્ષય દિવસ’ના રોજ દરેક તાલુકામાં ટી.બી. મુક્ત ગ્રામ પંચાયતના સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાશે.
સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશની સમયમર્યાદા વધારાઈ
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત અભિયાન હેઠળ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સઘન ક્ષય નિર્મૂલન ઝુંબેશ તા. ૨૪ માર્ચ, ૨૦૨૫ સુધી અમલી રહેવાની હતી, પરંતુ આ અભિયાનની સફળતાને ધ્યાને લઈને હવે તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી ટી.બી. નિર્મૂલન ઝુંબેશ કાર્યરત રહેશે. આ અભિયાનનો મુખ્ય હેતુ ટી.બી.ના નવા દર્દીઓ શોધી, તેમને સારવાર આપી, જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. સાથેસાથે ટી.બી.ના દર્દીઓને રોગમુક્ત કરીને ટી.બી.થી થતા મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો છે. આ ઝુંબેશ દરમિયાન હાઈરીસ્ક ગ્રુપ જેવા કે ટી.બી.ના જૂના દર્દીઓ, ક્ષયના દર્દી સાથે રહેતા લોકો, ડાયાબીટીસના દર્દીઓ, કુપોષિતો, એચ.આઇ.વી./એઇડ્સના દર્દીઓ, ૬૦ વર્ષથી વધુ વયના લોકો, ધુમ્રપાન અને દારૂનું વ્યસન ધરાવતા લોકોમાંથી ટી.બી.ના દર્દીઓ શોધી, યોગ્ય સારવાર અને પોષણયુક્ત આહાર આપવાની કામગીરી કરાઈ રહી છે.
આ અભિયાનની વિશેષતા એ છે કે, ઝુંબેશ દરમિયાન ક્ષયના કેસો તો ડીટેકટ કરવામાં આવે જ છે. સાથેસાથે એવા શંકાસ્પદ દર્દીઓને પણ શોધવામાં આવી રહ્યાં છે, જેને બેક્ટેરિયાનું ઇન્ફેકશન લાગી ગયું છે, પરંતુ હજુ સુધી ક્ષયનો રોગ લાગુ થયો નથી. આવા દર્દીઓનો સી.વાય.ટી.બી. ટેસ્ટ કરીને ત્રણ મહિનાની સારવાર નિ:શુલ્ક અપાય છે. આમ, ક્ષય નાબુદી અર્થે ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે.







