નવસારીના ફુવારા સર્કલથી “હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ
જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
“ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા તમામ નાગરીકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
તેના ભાગરૂપે આજ રોજ નવસારી નગરના ફુવારા સર્કલથી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ભવ્ય જિલ્લા કક્ષાની તિરંગા રેલી યોજાઇ હતી. આ રેલીમાં નવસારી શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલી નવસારી શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઇ હતી. મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર નવસારી રંગાયું હતું.
તિરંગા યાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃત્તિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા.
નવસારીના માર્ગો પર હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રામાં શાળાના વિધાર્થીઓ, ચૂંટાયેલા સભ્યો તેમજ નાગરિકોએ જય હિંદના નારા લગાવી લોકચેતના જગાવી હતી અને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાભેર ભાગીદારી નોંધાવવા લોકોને આહવાન કર્યું હતું.
તિરંગા રેલીનો મુખ્ય ઉદ્દેશ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દરેક નાગરિક તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે અને દરેક દેશવાસીઓમાં રાષ્ટ્ર ભાવના વધુને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકમાં પોતાના દેશ પ્રત્યે ગર્વ અને દેશપ્રેમ વધે તે છે.
તિરંગાયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇ,નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી મીનલબેન દેસાઇ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ, પ્રોબેશનર (આઇ.એ.એસ.)આર.વૈશાલી, વાંસદા પ્રાયોજના વહીવટદાર શ્રી આનન્દુ સુરેશ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ સહિત વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.