Rajkot: ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાયેલી કરોડોની મિલકતો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકોને પરત સોંપાઈ

તા.૭/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ગઈ કાલે રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ વ્યાજવટાવના ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દામાલ અને પચાવી પાડેલી મિલકતો મૂળ માલિકોને સન્માનપૂર્વક પરત કરવામાં આવી હતી.
એક વોટ્સએપ મેસેજ અને પોલીસની સતર્કતાએ બચાવ્યો વૃદ્ધનો જીવ
આ સમગ્ર કામગીરીમાં સૌથી હૃદયસ્પર્શી કિસ્સો ભાયાવદરના 60 વર્ષીય વૃદ્ધ શ્રી ઉદયભાઈનો રહ્યો છે. શ્રી ઉદયભાઈએ વ્યાજખોર વિશ્વરાજસિંહ ચુડાસમાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાનો એક કરુણ મેસેજ વોટ્સએપ પર મોકલ્યો હતો. આ મેસેજમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આરોપીએ તેમની પૂર્વજોની 18 વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રાજકોટ પોલીસ તંત્રએ આ મેસેજને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ઉદયભાઈને સુરત ખાતેથી શોધી કાઢી, તેમને સમજાવી આત્મહત્યા કરતા રોક્યા હતા. ત્યારબાદ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેમની રૂ. 5 કરોડની બજાર કિંમત ધરાવતી 18 વીઘા જમીન પરત અપાવી ન્યાય અપાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન અન્ય બે મહત્વના કિસ્સાઓમાં પણ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી રોનકભાઈની પડાવી લેવામાં આવેલી આશરે રૂ. 8 લાખની કિંમતની મર્સિડિઝ કાર અને એક્ટિવા પોલીસ દ્વારા પરત અપાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત શ્રી અજયભાઈનું વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલ મકાન પણ કાયદેસરની કાર્યવાહી બાદ તેમને પરત સોંપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ સામાન્ય નાગરિકને વ્યાજખોરો હેરાન કરશે તે બિલકુલ ચલાવી નહીં લેવાય, સરકાર અને પોલીસ નિર્દોષ નાગરિકની પડખે ઉભી છે. પોલીસની આ કામગીરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અને ન્યાય પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.





