Rajkot: પાણીજન્ય રોગ અટકાવવા જાહેર જનતાને સાવચેતીના પગલાં લેવા અનુરોધ

તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે પીવાનું પાણી દૂષિત થવાથી, પાણીજન્ય રોગચાળા થવાની સંભાવના છે ત્યારે કલેકટર શ્રી પ્રભવ જોષી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણે (IAS)ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.પી.કે.સિંઘ અને તેમની ટીમ દ્વારા પૂર્વ તૈયારી અને આગોતરા આયોજનથી પાણીજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લામાં પાણીજન્ય રોગચાળા અટકાયત માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં રાજકોટ જિલ્લામાં કુલ ૫૯૫ ગામોમાં ૭૫૩ આરોગ્યની ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં ક્લોરીનની ગોળીઓ અને ORS પેકેટનું વિતરણ, ડસ્ટીંગ, ફોગીંગ તેમજ સ્વચ્છતા કામગીરી, પાણીનો આર.સી. ટેસ્ટ, પીવાના પાણીના પાઇપ લાઇનની લીકેજની તપાસ તેમજ ઝાડા ઉલ્ટીના કેસોની તપાસ, શરદી- તાવના કેસોની તપાસ વગેરે કામગીરી આરોગ્ય ટીમો દ્વારા કરવામાં આવી રહી છે.આ ઉપરાંત શેલ્ટર હોમમાં રહેતા લાભાર્થીઓને તેમજ હાઇરીસ્ક, નજીકની ઈડીડીવાળી સગર્ભાઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવી આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.
આ સાથે ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થ જેવા કે બરફના ગોલા, કુલ્ફી, ઠંડાપીણા, લસ્સી, શેરડીનો રસ તથા વધુ પાકી ગયેલા ફળો ખાવાના ઉપયોગમાં લેવાથી કોલેરા, ઝાડા,ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ વગેરે પાણીજન્ય રોગ થઈ શકે છે. આ રોગચાળાથી બચવા માટે સાવચેતીના પગલાઓ લેવા અતિ આવશ્યક છે. ત્યારે જાહેર જનતાએ પીવાના પાણીને ઉપયોગમાં લેતા પહેલા ૨૦ મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું અથવા ક્લોરીનેશનવાળું પાણી જ પીવું, પીવાના ૨૦ લીટર પાણીમાં એક ક્લોરિનની ટીકડી ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાંખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું જોઈએ.
ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહીં, કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો, જાહેર જગ્યાઓ જેમ કે હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તાની લારીઓમાં વેચાતા વાસી અખાદ્ય પદાર્થ કે ખુલ્લામાં વેચાતા કાપેલા, પાકી ગયેલા ફળો ખાવાનું ટાળવું, ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવો તથા દૂધ ઉકાળીને જ પીવું. શાળા કોલેજ જેવા જાહેર સંસ્થાન અને ગ્રામ પંચાયતોના પાણી સંગ્રહસ્થાન(ટાંકી)ની નિયમિત સફાઈ થાય તેની તકેદારી રાખવી.
મલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનીયા જેવા રોગોથી બચવા મચ્છરનો ઉપદ્રવ અટકાવવો. મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ઘરની આજુ બાજુ નાના ખાડા, ખાબોચિયામાં પાણી ભરાયા હોય તેને વહેતું કરો, તથા ઘરમાં જૂના ભંગાર, ટાંકી, ટાયર, તૂટેલા માટલાં, તથા જૂના પાત્રોમાં પાણી ન ભરાવા દો, તુર્તજ નિકાલ કરો. આપના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો નોંધાય તો તરત જ સ્થાનિક આરોગ્ય કાયૅકરને જાણ કરી ત્વરિત રોગ અટકાયતી પગલાં લઈ શકાય. ચોમાસા દરમ્યાન આ પગલાં લેવા જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે .






