Rajkot: મૂલ્યવર્ધન ખેતી થકી મસાલા બજારમાં લાખોની કમાણી સાથે ઉભરતી નેચરલ મસાલા બ્રાન્ડ “સુદર્શન”
તા.૨/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન- ડો. દિવ્યા ત્રિવેદી
પ્લાન્ટ પેથોલોજીમાં એમ.એસ.સી.ની ડીગ્રીનો નેચરલ ફાર્મિંગમાં ઉપયોગ કરીને ખેતીને નવું વ્યવસાયિક સ્વરૂપ આપતા મેંગણીના પાનસુરીયા બંધુઓ
ખેતરથી ખાનાર સુધી સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનો પહોંચાડવાની પ્રેરણા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પાસેથી મળી: ખેડૂત ધવલભાઈ પાનસુરીયા
Rajkot: સમગ્ર રાજ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. રાજ્યના લાખો ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે, ત્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના મેંગણી ગામના ધવલભાઈ પાનસુરીયા અને મોહિતભાઈ પાનસુરીયાએ પ્રાકૃતિક ખેતી અને ઉત્પાદનના મૂલ્યવર્ધન દ્વારા પોતાની મસાલા બ્રાન્ડ વિકસાવી છે અને આજે તેઓ પોતાની બ્રાન્ડ દ્વારા આન્ત્રપ્રેન્યોર બની વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
મેંગણીના ધવલભાઇ પાનસુરીયા કહે છે કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની હિમાયત અને તેના પુસ્તકના અભ્યાસ થકી પ્રેરણા મળવાથી અમે શિબિરમાં જોડાયા અને છેલ્લાં ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. અગાઉ રાસાયણિક ખેતીમાં ઉત્પાદન ઓછું અને ખર્ચ વધુ થવાની સાથે રસાયણનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું હતું, ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની રાજ્યપાલશ્રીની પ્રેરણા થકી આજે અમે સંપૂર્ણ પરિવાર તમામ પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ, તથા અન્ય લોકોને પણ પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટેની સલાહ આપીએ છીએ સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રયાસો કરીએ છીએ.
ધવલભાઇએ ઉમેર્યું હતું કે, અમારી ૩૫ વીઘાની ખેતીમાં મિશ્ર પાક દ્વારા ખેતી કરવામાં આવે છે. જેમાં મરચું, હળદર, ધાણા, જીરું, રાય, મેથી જેવા મસાલા સાથે જ ઘઉં, મગફળી, ચણા, મગ જેવા પાકની ખેતી કરીએ છીએ. મરચામાં પણ કાશ્મીરી, રેશમ સિંગલ પટ્ટો, રેશમ ડબલ પટ્ટો અને તીખી મરચી-જી૪ જાત, ઘઉંમાં પણ સોનેરી ટુકડા અને ઋષિમુનિઓ સમયની વધુ ફાઇબરવાળી ચાવલકાઠી અને ગ્લુટન ફ્રી સોનામોતી એમ ત્રણ પ્રકારની જાત, હળદરમાં સેલમ તથા ચણામાં દેશી અને કાબુલી તેમ બે જાતનું ઉત્પાદન કરીએ છીએ. આ તમામ ઉત્પાદનોનું અમારી પોતાની જ બ્રાન્ડ “સુદર્શન” અંતર્ગત મૂલ્યવર્ધન કરી સ્વચ્છ અને હવાચુસ્ત પેકિંગમાં વેચાણ કરવામાં આવે છે.
તમામ મસાલા અને આ પાકોની ખેતી પૂર્ણ રીતે પ્રાકૃતિક તત્વોથી કરવામાં આવે છે, જેમાં ઉત્પાદનોને પોષણ અને તમામ તત્વો મળે તે માટે ખાસ વનસ્પતિ અર્ક, ગાયનું છાણ, જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. વળી, જમીનનું કાર્બન વધારવામાં અને પાકને પોષક તત્વો પહોંચાડવા માટે જમીનમાંના સૂક્ષ્મ કીડાઓ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે, ત્યારે અમે ખેતી માટે ખાસ પ્રાકૃતિક વસ્તુઓને આથો આપી તેમાં બેક્ટેરિયા કલ્ચર કરી પિયત દ્વારા આ બેક્ટેરિયા જમીનમાં આપીએ છીએ, જેનાથી મિશ્ર પાકમાં પણ તમામ વાવેતર કરાયેલા ઉત્પાદનોને તેમના જરૂરી પ્રમાણમાં પોષકતત્વો મળી રહે છે.
ધવલભાઇ પાનસુરીયાએ એગ્રીકલ્ચરમાં જ પ્લાન્ટ પેથોલોજીમાં કરેલી એમ.એસ.સીની ડિગ્રીનો પોતાની ખેતીમાં પ્રેક્ટીકલ ઉપયોગ કર્યો છે. પાનસુરીયા બંધુઓ ખેતીમાં જમીનને પણ તત્વો સાથે તૈયાર કરવા માટે ખાસ શણ અને ઈકકડ પ્રજાતિનું ઘાસ વાવી ૪૫ થી ૫૦ દિવસ બાદ તેને રોટાવેટર થકી કાપી તેમાં બેક્ટેરિયા કલ્ચર દ્રાવણો ઉમેરી કંપોસ્ટ પ્રક્રિયા થકી કુદરતી રીતે જમીનનો કાર્બન વધારે છે. આ પ્રક્રિયા થકી ક્ષારવાળી જમીન, ઊંચા પીયતવાળી, ખરાબ પાણીવાળી જમીન પણ સુધરી શકે છે.
પ્રાકૃતિક ઉત્પાદનો અને તેના મૂલ્યવર્ધન સાથે જ પાનસુરીયા બંધુઓએ ખેતીને નવું વ્યવસાયિક સ્વરૂપ આપ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા પોતાના ઉત્પાદનોના વેચાણ સાથે પાનસુરીયા બંધુઓ સમગ્ર રાજકોટમાં પોતાના ઉત્પાદનોને હોલસેલ તેમજ રિટેલ સ્વરૂપમાં હોમ ડીલીવરી દ્વારા પણ પહોંચાડે છે. આમ, પ્રાકૃતિક ખેતી થકી ઉદ્યોગ સાહસિકતા તરફ વળેલા આ પાનસુરીયા બંધુઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.