Rajkot: રાજકોટમાં એ.જી. ઓફિસ દ્વારા ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

તા.૨૫/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સ્લોગન, નિબંધ સ્પર્ધામાં સ્ટાફે દર્શાવી લેખનની સર્જનાત્મકતા
ચિત્રસ્પર્ધામાં સ્ટાફના બાળકો જોડાયા
થીમ બેઝ રંગોળી સાથે અપાયા વિવિધ સંદેશ
Rajkot: કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના ભારતીય ઓડિટ અને એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટની એકાઉન્ટન્ટ જનરલશ્રીની કચેરી-રાજકોટ દ્વારા હાલમાં ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત દરરોજ વિવિધ કાર્યક્રમો સાથે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે.
ગત ૧૯મી નવેમ્બરે સાંજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંજે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કચેરીનો સ્ટાફ જોડાયો હતો અને ઉત્સાહપૂર્વક સફાઈ કરીને ‘સ્વચ્છ ભારત અભિયાન’ને વેગવાન બનાવ્યું હતું. તા.૨૦મીએ સ્લોગન સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્ટાફના સૌ સભ્યોએ ઉત્સાહપૂર્ણ ભાગ લઈને લેખનમાં સર્જનાત્મકતા દર્શાવી હતી.
તા. ૨૧મીએ બપોરે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં સ્ટાફના પરિવારના બાળકોએ ભાગ લઈને પોતાની સર્જનાત્મકતાને કાગળ પર ઉતારી, તેમાં રંગો ભરીને સુંદર ચિત્રો બનાવ્યા હતા. આ ઉપરાંત નિવૃત્ત અધિકારીઓ, સ્ટાફ સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં અનુભવી લોકોએ સંસ્મરણો તાજા કર્યા હતા. તા. ૨૫મીએ ઓડિટ અને એકાઉન્ટ ઓફિસની વિવિધ વિંગમાં રંગોળી કરવામાં આવી હતી. જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત, વિવિધતામાં એકતા, વંદે માતરમ તથા રાષ્ટ્રધ્વજના ગૌરવનો સંદેશો મનોહર રંગો અને ચિત્રોથી અપાયો હતો. નોંધનીય છે કે, ઓડિટ સપ્તાહની ઉજવણી ૨૮મી નવેમ્બર સુધી ચાલશે.







